શિવસેનાનું બળવાખોર MLAs ને અલ્ટીમેટમ, એકનાથ શિંદેએ આપ્યો આ જવાબ

Contact News Publisher

મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે.

Maharashtra Political Crisis: શિવસેનાનું બળવાખોર MLAs ને અલ્ટીમેટમ, એકનાથ શિંદેએ આપ્યો આ જવાબ

મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી. સીએમ ઉદ્ધવ ઠાકરે પોતે કોરોના પોઝિટિવ હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાયા હતા. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર  સરકારમાં મંત્રી પણ છે.

શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ આપ્યો જવાબ
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના વ્હિપને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે પાર્ટી ઉપર પણ દાવો ઠોક્યો. શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું કે ભરત ગોગવલને શિવસેના વિધાયક દળના ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી વિધાયક દળની બેઠક અંગે સુનિલ પ્રભુ દ્વારા જે આદેશ બહાર પાડવામાં આવ્યો તે ગેરકાયદેસર છે.

બળવાખોર વિધાયકોને અલ્ટીમેટમ
એકબાજુ એકનાથ શિંદે પોતાની સાથે 46 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ હવે શિવસેનાએ એક લેટર બહાર પાડ્યો છે અને બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે.  શિવસેનાએ કહ્યું છે કે જો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તેઓ મુંબઈ પાછા નહીં ફરે તો તેમની સદસ્યતા રદ કરી નાખવામાં આવશે. પત્રના છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે જો તમે વિધાયક દળની બેઠકમાં નહીં આવો તો એવું માનવામાં આવશે કે તમે પાર્ટી તોડવા માંગો છો અને તમારી સદસ્યતા રદ્દ થઈ શકે છે.

સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે કહ્યું કે જ્યારે રાજ્યમાં આવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે વિધાનસભા ભંગ થાય છે. ધારાસભ્યોના અપહરણ કરીને તેમને બહાર લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમે ધારાસભ્ય નિતિન દેશમુખ વિશે સાંભળ્યું હશે તેમને ધમકી આપવામાં આવી અને ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ કરાયા, ઈન્જેક્શન અપાયા. તેમનું તો એવું કહેવું છે કે તેમની હત્યાનો પ્રયત્ન કરાયો.

ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું
સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સીએમ પદેથી રાજીનામું આપી શકે છે. થોડીવારમાં કેબિનેટની બેઠક થવાની છે. જેના પર સૌની નજર છે. રાજીનામા પહેલા ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટી શિવસેનાના તમામ સાંસદો અને વિધાયકો સાથે વાતચીત પણ કરશે.

વધુમાં વધુ અમારી સત્તા જશે- રાઉત
સમગ્ર મામલે હવે શિવસેના નેતા સંજય રાઉતે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે.

રાજ્યપાલને થયો કોરોના
મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઘમાસાણ જોવા મળી રહ્યું છે તે વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ થયા છે. તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *