કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ ૨૦માંથી ૧૪ ડેમ ઓવરફલો : ૯ હજારથી વધુ હેકટર ખેતીને ફાયદો મળશે

Contact News Publisher

રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશી : મધ્યમકક્ષાના અન્ય પાંચ ડેમમાં ૧૦ થી ૭૦ ટકા પાણીની આવક
૦૦૦૦
નાની સિંચાઇની ૧૭૦ યોજનાઓ પૈકી ૯૫ યોજનાઓ પૂર્ણ ભરાઇ ગઇ : ૪૦ નાની સિંચાઇ યોજનાઓમાં ૧૦ ટકા થી ૯૫ ટકા સુધીનો જથ્થો ઉપલબ્ધ
૦૦૦૦

ભુજ , શનિવાર:


કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં દસે તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજનાના કુલ ૨૦ ડેમમાંથી અત્યારસુધીના સીઝનના વરસાદ થકી ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. બાકી રહેતા છ પૈકી પાંચ ડેમમાં ૧૦ થી ૭૦ ટકા પાણીની આવક થઇ છે જયારે બાકી એક ડેમમાં ચાલુ સીઝનમાં નોંધપાત્ર આવક થવાની સંભાવના છે. મેઘરાજાની મહેરબાનીથી જિલ્લામાં ડેમની સારી સ્થિતી બનતા ૧૪ ડેમના કમાન્ડ હેઠળ ૯૦૦૦ હેકટરથી વધુ ખેતીને સિંચાઇનો લાભ મળશે. આમ કચ્છમાં ખરીફ પાક સાથે રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશીની લહેર ફેલાઇ છે.
કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાના ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે ત્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં અત્યારસુધીના કુલ ૫૫ મી.મી વરસાદના કારણે ૩૩.૯૮ મિલીયન કયુબીક મીટર( એમ.સી.એમ) જળનો સંગ્રહ થઇ શકયો છે જેના થકી ૬૯ ટકા ભરાઇ ગયો છે. જયારે લખપતનો ગોધાતડ ડેમ કુલ ૨૧૦ મી.મી વરસાદના કારણે તથા તાલુકાનો સાનન્ધ્રો ડેમ કુલ ૩૪૭ મી.મી વરસાદ થકી ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. જયારે નરા ડેમ ૪૨ ટકા ભરાયો છે. તો ગજણસર ડેમ પણ કુલ ૨૬૨ મી.મી વરસાદ થકી ઓવરફલો થઇ જતાં તાલુકાના લોકોમાં ખુશીની લહેર છવાઇ છે. આમ, સરહદી તાલુકાના ચારમાંથી ત્રણ ડેમ ૧૦૦ ટકા ભરાઇ જતાં અહીંના વિસ્તારની ખેતીને મોટો ફાયદો થશે.


અબડાસા તાલુકાની વાત કરીએ તો, કંકાવટી ડેમ કુલ ૮૬૨ મી.મી વરસાદના કારણે ઓગની ગયો છે. તેમજ તાલુકાનો જંગડીયા ડેમ કુલ ૬૭૪ મી.મી ,મીટ્ટી ડેમ કુલ ૫૨૧ મી.મી, અને બેરાચીયા ડેમ કુલ ૪૮૮ મી.મી કુલ વરસાદના કારણે ઓવરફલો થઇ ગયો છે.
તે જ રીતે ભુજ તાલુકાના રૂદ્રમાતા ડેમમાં કુલ ૨૧૩ મી.મી વરસાદ થકી ૧૨ ટકા પાણી આવ્યું છે જયારે કાયલા ડેમ કુલ ૩૭૨ મી.મી વરસાદના કારણે ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. જયારે કાસવતી ડેમમાં સામાન્ય પાણીની આવક થઇ છે.
નખત્રાણા તાલુકામાં નિરોણા ડેમ કુલ ૩૬૪ મી.મી વરસાદ થકી , જયારે મથલ ડેમ ૪૪૧ મી.મી તથા ભુખી ડેમ કુલ ૪૭૪ મી.મી વરસાદના કારણે ઓગની ગયા છે.
રાપર તાલુકામાં સુવી ડેમ અત્યારસુધી ૩૮ ટકા ભરાયો છે. તથા ફતેહગઢ ડેમ ૨૬ ટકા ભરાયો છે. જયારે મુંદરાનો ગજોડ ડેમ કુલ ૨૬૫ મી.મી વરસાદ થકી તથા કાલાઘોઘા ડેમ કુલ ૫૫૫ મી.મી વરસાદના કારણે ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. તેમજ માંડવી તાલુકામાં ડોણ ડેમ પણ કુલ ૫૦૮ મી.મી વરસાદના કારણે ઓવરફલો થઇ ગયો છે.


આ અંગે કચ્છ સિંચાઇ વર્તુળ ભુજના એકઝીક્યુટીવ એન્જિનીયરશ્રી હર્ષદભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, કચ્છના મધ્યમસિંચાઇના મોટાભાગના ડેમ ભરાઇ જતાં રવીસિઝનમાં સિંચાઇ માટે ખેડુતોને ફાયદો થશે. કુલ કમાન્ડ એરીયા ૧૮ હજાર હેકટરથી વધુ છે ત્યારે ૧૪ ડેમ ઓવરફલો થઇ જતાં તેની હસ્તકના કમાન્ડ એરીયાના કુલ ૯૦૦૦ હજારથી વધુ હેકટર ખેતીને સીધી સિંચાઇનો લાભ મળશે. મેઘરાજાની મહેર થકી ખરીફ પાક ઉપરાંત રવિ સીઝનમાં પણ સિંચાઇ થઇ શકશે તેટલી જળરાશિનો સંગ્રહ થયો છે. હજુ પણ સીઝન ચાલુ હોવાથી જે ત્રણ ડેમમાં વધુ આવક નથી નોંધાઇ ત્યાં પણ જથ્થો વધશે તેવી સંભાવના છે.
નાની સિંચાઇ યોજનાની વાત કરીએ તો હાલ કચ્છમાં જિલ્લા પંચાયત હેઠળના સિંચાઇ વિભાગ હસ્તક ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓ કાર્યરત છે . જેમાં ભુજમાં ૩૫માંથી ૧૨ પૂર્ણ ભરાઇ ગઇ છે જ્યારે ૧૩ નોંધપાત્ર આવક થઇ છે. અંજાર તાલુકામાં કુલ ૧૨ પૈકી ૩ યોજના ૧૦૦ ટકા ભરાઇ ગઇ છે તો ૯ અંશત: ભરાઇ છે. માંડવીમાં કુલ ૨૧ યોજનાઓ પૈકી ૨૦ સંપૂર્ણ ભરાઇ છે તો ૧ અંશત: ભરાઇ છે. મુંદરા તાલુકામાં કુલ ૧૧ પૈકી ૭ ડેમ ઓવરફલો થયા છે જ્યારે ૪માં અંશત: પાણી આવ્યું છે. નખત્રાણા તાલુકામાં કુલ ૧૬ યોજના પૈકી ૧૫ છલોછલ ભરાઇ ગયા છે જયારે ૧માં અંશત: પાણીની આવક થઇ છે. લખપત તાલુકામાં કુલ ૧૭ ડેમમાંથી ૧૫ ઓવરફલો થઇ ગયા છે જયારે ૨માં નોંધપાત્ર આવક થઇ છે. અબડાસા તાલુકામાં કુલ ૨૪ ડેમ છે તે તમામ ૧૦૦ ટકા ઓવરફલો થઇ જતાં ખેડુતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફેલાઇ છે. રાપર તાલુકાની વાત કરીએ તો કુલ કુલ ૧૬ ડેમમાંથી ૫માં નોંધપાત્ર આવક થઇ છે. જયારે ભચાઉ તાલુકાના કુલ ૧૮માંથી ૫માં પાણીની આવક થઇ છે.
આ અંગે પંચાયત સિંચાઇ વિભાગના એકઝીક્યુટીવ એન્જિનીયરશ્રી એ.ડી.પરમારે નાની સિંચાઇ યોજનાઓના ડેમનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યારસુધી થયેલા વરસાદના કારણે કુલ ૧૭૦ નાની સિંચાઇના ડેમમાંથી ૯૬ ડેમ ઓવરફલો થઇ ગયા છે. જ્યારે ૪૦ નાની સિંચાઇ યોજનાઓમાં ૧૦ ટકા થી ૯૫ ટકા સુધીની પાણીની આવક નોંધાઇ છે. તથા ૩૪ ડેમમાં નહિવત પ્રમાણમાં જથ્થો છે. ૧૭૦ સિંચાઇ યોજનાની કુલ સંગ્રહ શક્તિ ૧૦૫૩૭ એમ.સી.એફ.ટી છે જેની સામે હાલ ૭૬૭૮ એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો અંદાજે ૭૨ ટકા કચ્છ જિલ્લા માટે ઉપલબ્ધ છે. હજુપણ વરસાદની સીઝન ચાલુ છે ત્યારે બાકીના ડેમમાં જળરાશી આવવાની પુરતી સંભાવના છે. હાલની સ્થિતી જોતા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આગામી ખરીફ અને રવી પાકમાં સિંચાઇનો પૂરતો લાભ થશે.
જિજ્ઞા વરસાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *