કચ્છ એસટી દ્વારા જન્માષ્ટમી પર્વે વધારાની બસો દોડાવવા ઘડાતો તખ્તો

Contact News Publisher

ભુજ : એસટી વિભાગ દ્વારા તહેવાર અને મેળાઓ દરમ્યાન વધારાના રૂટોનું સંચાલન કરવામાં આવતું હોય છે. લોકો પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. કચ્છ એસટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી પર્વ દરમ્યાન વધારાની બસો દોડાવવા ખાસ આયોજન ગોઠવવા તખ્તો ઘડાઈ રહ્યો છે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કચ્છ એસટી ડિવિઝન દ્વારા દર વર્ષે વેકેશન અને તહેવારો દરમ્યાન પ્રવાસીઓની અનુકુળતા માટે ભારે ટ્રાફીક ધરાવતા રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે. પ્રવાસીઓ પણ એસટીની આ સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોઈ તંત્રની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. હાલે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ નોંધપાત્ર વરસાવી દીધી હોઈ મેળાની મોસમ પુર બહારમાં ખીલી ઉઠે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. શ્રાવણમાં અત્યાર સુધી યોજાયેલા મેળાઓમાં પણ તેની ઝલક જોવા મળી છે.સાતમ – આઠમ એટલે કે, જન્માષ્ટમી પર્વ દરમ્યાન તો જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં અનેક પ્રખ્યાત મેળા યોજાતા હોઈ ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો તેની મોજ માણવા ઉમટતા હોય છે. ન માત્ર ભુજ પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પારંપરીક મેળા યોજવાની તૈયારીઓ આરંભાઈ ચુકી છે. પ્રવાસીઓને જન્માષ્ટમી પર્વ દરમ્યાન મુસાફરીમાં કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે એસટી તંત્ર પણ સજ્જ બન્યું છે.આ બાબતે કચ્છ એસટીના વિભાગીય નિયામક વાય. કે. પટેલે વિગતો આપતા જણાવ્યું કે, જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા બહાર વધારાની એકસપ્રેસ બસો દોડાવવાનું કોઈ આયોજન નથી. જો કે, લોકલ રૂટો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જન્માષ્ટમી દરમ્યાન જિલ્લામાં અનેક મેળા યોજાતા હોઈ આવા સ્થળોએ પહોંચવામાં પ્રવાસીઓને સાનુકુળતા રહે તે માટે ટ્રાફિકને ધ્યાને લઈ બસોના શીડયુઅલ ગોઠવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News