PGVCLના વહેલી સવારથી દરોડા:રાજકોટના જંગલેશ્વર, એકતા કોલોની સહિત 10 વિસ્તારમાં 44 ટીમ અને બોટાદમાં 26 ટીમ વીજચોરી પકડવા ઉતરી

Contact News Publisher

આજે ફરી સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ શહેર અને બોટાદ ડિવિઝન વિસ્તારોમાં 70 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરની અંદર ગત મહિનાની જેમ આજે કોઠારિયા સબ ડિવિઝન હેઠળ આવતા જંગલેશ્વર, એકતા કોલોની, મહેશ્વરી સોસાયટી અને ગાંધી સોસાયટી સહિત 10 જેટલા વિસ્તારમાં 44 ટીમ અને બોટાદમાં 26 ટીમ વીજચોરી પકડવા ઉતરી છે.

રાજકોટમાં SRP જવાનો સાથે ચેકિંગ
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર બાદ આજે રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેર અંતર્ગત કોઠારિયા ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 44 ટીમ દ્વારા કોઠારિયા સબ ડિવિઝન હેઠળના એકતા કોલોની શેરી નંબર 1થી 10, ભવનાથ સોસાયટી, જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 1થી 10 અને RMC આવાસ સહિત વિસ્તારને આવરી લઈ વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 2 ફીડર આવરી લેવામાં આવ્યા છે. આ વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, SRP જવાન તેમજ 4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં 10 વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.
રાજકોટ શહેરમાં 10 વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

બોટાદના ગઢડામાં વીજ ચેકિંગ
રાજકોટ શહેરની સાથે સાથે આજે બોટાદ ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. બોટાદ સર્કલ અંતર્ગત ગઢડા રૂરલ 1 અને 2 સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 26 ટીમ દ્વારા વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં SRPની ટીમ અને 3 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા છે.

જાન્યુઆરી મહિનામાં 2 કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ
સૌરાષ્ટ્રમાં ગત જાન્યુઆરી માસ દરમિયાન PGVCL દ્વારા 7000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 1000 જેટલા ક્નેક્શનમાંથી 2 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. આજે પણ સાંજ સુધી ચાલનાર આ દરોડામાં લાખોની વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા સેવાઇ રહી છે.

શનિવારે PGVCLના કર્મચારી પર હુમલો થયો હતો
રાજારામ શેરી-4માં રહેતા અને PGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ડી.જી. વ્યાસે હરેશ ભીખા ઠુંમર નામના શખ્સ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ડી.જી વ્યાસે જણાવ્યું છે કે, તેમના વિસ્તારના ગ્રાહકોએ વીજબિલની રકમ ભરી ન હોય તેવા લોકોના વીજજોડાણ કાપવા તેમજ મીટર સર્વિસ ઉતારવાની કામગીરી તેમને કરવાની હોય છે. જેથી શનિવારે બપોરે ચાર વાગ્યે સરકારી વાહન સાથે શ્રીરામ સોસાયટી-6માં રહેતા હરેશ ઠુંમરના ઘરે પહોંચ્યા હતા.

હરેશ ઠુંમરે કર્મચારીને ગાળો ભાંડી હતી
જોકે, તે સમયે તે વ્યક્તિ હાજર ન હતા. તેના માતા ત્યાં હાજર હોય તેમની બિલ ભરપાઇ ન કરવાને કારણે તેઓ મીટર ઉતારવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે વાત કર્યા બાદ મીટર ઉતારી અન્ય સ્થળે મીટર ઉતારવાની કામગીરી કરવા નીકળી ગયા હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા યાર્ડના પહેલા ગેટ પાસે પહોંચતા એક શખ્સે તેનું બાઇક અમારા સરકારી વાહન આડે નાખ્યું હતું. જેથી પોતે વાહનમાંથી નીચે ઉતરી હું હરેશ ઠુંમર, તમે મારા ઘરનું મીટર કેમ ઉતારી લીધું છે. તેમ કહી ગાળો ભાંડી હતી.

પગ પર પથ્થર મારી ઇજા પહોંચાડી
જેથી તેને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તે નહીં માનતા વધુ ઉશ્કેરાય જઇ પોતાને માર મારવા હાથ ઉગામ્યો હતો. પરંતુ પોતે ખસી જતા તેના હાથમાં રહેલો પથ્થરનો ઘા કરી પગમાં ઇજા પહોંચાડી હતી અને તે શખ્સ તેનું બાઇક લઇ ત્યાંથી નાસી ગયો હતો. પગમાં ઇજા થયા બાદ લંગડાતા પગે કચેરીએ જઇ અધિકારીને બનાવની જાણ કર્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *