ચાલકને બચાવવા પતરાં કાપવાની ફરજ પડી:વડોદરામાં હાઇવે પર અકસ્માતમાં ટ્રક ડ્રાયવર કેબિનમાં ફસાયો, ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરી જીવતો બહાર કાઢ્યો

Contact News Publisher

શહેરની દુમાડ ચોકડી નજીક ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના કેબિનનો ખૂરદો બોલી ગયો હતો. જેમાં ડ્રાઈવર ફસાઈ જતા ફાયરબ્રિગેડ જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કેબિનના પતરાં કાપી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડ્યો હતો.

વડોદરાની દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે હાઇવે પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની સામે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જતી ટ્રકની પાછળના ભાગે પાછળ આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. જેથી આગળ જતી ટ્રકનો ચાલક વાહન સાથે જ ફરાર થઇ ગયો હતો. પરંતુ પાછળની ટ્રકને એટલી જોરદાર ટક્કર વાગેલી હતી કે ટ્રકની કેબિનનો ખૂરદો બોલી ગયો હતો. તેમજ કેબિનમાં ડ્રાયવર ફસાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ERC ફાયરબ્રિગેડની ટીમ કટર સહિતના સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ભારે જહેમત બાદ ટ્રક ડ્રાયવરને પતરું કાપી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત ટ્રક અમદાવાદ તરફથી સુરત તરફ જઇ રહી હતી. ત્યારે આગળની ટ્રકની સાથે આ ટ્રક ધડાકાભેર અથડાઇ હતી.

ફાયરબ્રિગેડ દ્વારા ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાયવરને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *