લગ્નના 4 દિવસ પહેલાં જ વરરાજાનું મોત:સુરતમાં પોતાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકને ટ્રકે કચડતાં મોત, સમાચાર સાંભળતાં જ મંગેતર બેભાન થઈ ગઈ

Contact News Publisher

પોતાના લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું રસ્તામાં અકસ્માત થતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા બાઈક ઉપર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાંથી પોતાના લગ્નની કંકોત્રી આપવા એક યુવક નીકળ્યો હતો. દરમિયાન પર્વત પાટિયાથી સરદાર માર્કેટ જતા રસ્તા પર ટ્રક ચાલકે પાછળથી અડફેટે લઈ બંને પગ ઉપરથી ટ્રક ચાલી ગઈ હતી. જેને લઇ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું બે દિવસ બાદ મોત નીપજ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્નના ઘરમાં જ વરરાજાનું અકસ્માતને લઈને મોતની પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

લગ્ન પહેલા અકસ્માતે મોત
મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનનો વતની 26 વર્ષીય જીતેન્દ્રદાન દોલતદાન ચારણ પરિવાર સાથે ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. તે પોતાના ભાઈ સાથે સુરતમાં કાપડનો વ્યવસાય કરતો હતો. જીતેન્દ્રના પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો કારણ કે આવનાર 22 ફેબ્રુઆરીએ જીતેન્દ્રના લગ્ન નક્કી થયા હતા. તે પોતાના લગ્નમાં આમંત્રણ માટે શહેરમાં તમામને કંકોત્રી આપવા જાતે જતો હતો. પરંતુ જીતેન્દ્રને ક્યાં ખબર હતી કે લગ્ન પહેલા જ તેનું અકાણે અકસ્માતે મોત નીપજશે.

કંકોત્રી દેવા નીકળ્યો ને અકસ્માત
સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પુણા વિસ્તારમાં સામે આવ્યો છે. ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્રદાન દોલતદાન ચારણના આગામી 22 ફ્રેબુઆરીના રોજ લગ્ન હતા અને તેના લગ્નની ખુશીમાં સામેલ થવા તે સુરતમાં રહેતા તેમના સ્વજનો અને પરિવારજનોને કંકોત્રી આપવા નીકળ્યો હતો. આ દરમિયાન પર્વત પાટિયા પાસે પહોંચતા તેની બાઈકને સિમેન્ટ ભરેલા ટ્રકે ટક્કર મારી હતી. અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. દરમિયાન તે બાઈક પરથી નીચે પટકાયો હતો.

મૃતકનો મોત પહેલાના એક દિવસ પહેલાંની તસવીર.
મૃતકનો મોત પહેલાના એક દિવસ પહેલાંની તસવીર.

ટ્રકે યુવકના બંને પગ કચડી નાખ્યા
જીતેન્દ્રને અકસ્માતમાં બંને પગ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી. જેને લઇ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ આ મામલે પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

ટ્રક ચાલકને કોઈ જાણ જ થઈ ન હોય તેમ જતો રહ્યો
લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવક સાથે બનેલી અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના સીસીટીવી બે દિવસ બાદ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે તેને ટક્કર મારી અડફેટે લીધો હતો અને ત્યારબાદ ઘટના અંગે ટ્રક ચાલકને કોઈ જાણ જ થઈ ન હોય તેમ તે ત્યાંથી પસાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને યુવકને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યો હતો.

સિમેન્ટ ભરેલી ટ્રકે યુવકને કચડ્યો.
બે વર્ષ પહેલા સગપણ નક્કી થયું હતું
લગ્ન પૂર્વે જ મોતને ભેટનાર વરરાજા જીતેન્દ્રદાન ચારણના પિતરાઈ ભાઈ રણજીતદાન ચારણે જણાવ્યું હતું કે તે મારી સાથે સુરતમાં રહેતો હતો. પરિવાર રાજસ્થાનમાં રહેતું હતું. છેલ્લા બે વર્ષથી મારી સગી સાળી સાથે તેનું સગપણ નક્કી કર્યું હતું. 22 ફેબ્રુઆરીએ લગ્નની તારીખ નક્કી કરાઈ હતી. જેને લઇ તેના લગ્નથી અમે તમામ પરિવાર ખૂબ જ ખુશી અને ઉત્સાહમાં હતા. 18 તારીખે તેની રાજસ્થાન જવા માટેની બસનું બુકિંગ પણ હતું.

વરરાજાએ તમામ તૈયારીઓ કરી લીધી હતી
વધુમાં જણાવ્યું હતું કે જીતેન્દ્રએ પોતાની સાથે લઈ જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. સુરતથી તેણે શૂટ, બુટ, મોજડી, શેરવાની, ફેશિયલ કીટ સહિત લગ્નમાં જરૂર પડતી તમામ નાની મોટી વસ્તુઓની ખરીદી કરી લીધી હતી. આ બધી જ વસ્તુઓ એક બેગમાં ભરીને તૈયાર પણ કરી દીધી હતી. તમામ પ્રકારની તૈયારીઓ લગ્નને લઈ તેણે કરી દીધી હતી. અંતિમ ઘડીએ કેટલાકને કંકોત્રી બાકી હતી તે આપવા માટે દોડાદોડ તે કરી રહ્યો હતો. અને નીકળવાના આગલા દિવસે જ તેનો અકસ્માત થયો હતો.

મૃતક યુવકના 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા.
મૃતક યુવકના 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા.

મંગેતર આઘાતને લઇ બેભાન
રણજીતદાન ચારણે વધુમાં જણાવ્યું હતું કે વરરાજાના પિતરાઈ ભાઈ કહો કે સાઢુભાઈ કારણ કે મારી સગી સાળી સાથે જ આજથી બે વર્ષ પહેલાં તેનું સગપણ કરાવ્યું હતું. રાજસ્થાનના જોધપુર ખાતે મારી સાળી સાથે આવનારી 22 તારીખે લગ્ન થવાના હતા. બે વર્ષથી તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. લગ્નના ચાર દિવસ પહેલા જ જીતેન્દ્રનું અકસ્માત થતાં મારી સાળી અને જીતેન્દ્રની મંગેતરને ખૂબ જ ઊંડો આઘાત પહોંચ્યો હતો. જીતેન્દ્રનો સુરતમાં ગંભીર રીતે અકસ્માત થયો છે અને તેનું મોત થયું હોવાની જાણ તેની મંગેતરને થતા જ તે બેભાન થઈ ગઈ છે. તેને રાજસ્થાનની જોધપુરની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

કંઈ ન થયું હોય તેમ ટ્રક ચાલક જતો રહ્યો.
ઉત્સવનો માહોલ માતમમાં ફરી વળ્યો
જીતેન્દ્રના લગ્નની શરણાઈઓ વાગી ચૂકી હતી. ગામમાં તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. બંને પરિવાર ખૂબ જ ખુશ હતા. યુવતીના પરિવારમાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. યુવતી તો હવે નવા જીવન સંસારના સપનાઓ પણ માંડી ચૂકી હતી. પરંતુ આ તમામ ખુશીઓ પર કોઈકની નજર લાગી હોય તેમ અચાનક જ ઉત્સાહનો ઉમંગનો અને આનંદનો માહોલ બંને પરિવાર માટે માતમ માં ફેરવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News