ભૂજની બહુચર્ચિત RTO કચેરીમાં રાજ્યસ્તરની ટીમ દ્વારા વહીવટી કામગીરી અંગે તપાસ હાથ ધરાઈ

Contact News Publisher

ભુજમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આજે ફરી એક વખત રાજ્યસ્તરની ટીમ દ્વારા વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા ચકાસવા સહિતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. કાયમ ચર્ચામાં રહેતી RTO કચેરીમાં આજે સવારથીજ અચાનક આવી ચડેલી ટીમના પગલે બિનસત્તાવાર રીતે કામ કરતા એજન્ટો અને અમુક કર્મચારીઓ ઓઝલ બન્યા છે. તો કેટલાક કથિત એજન્ટોને રાઉન્ડપ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે તપાસના ધમધમાટ વચ્ચે અરજદારોના કામને કોઈ ખલેલ ના પહોંચે તે મુજબ RTO કચેરમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે ઉચ્ચ સ્તરીય ટીમની તપાસમાં કોઈ નિષ્કર્ષ બહાર આવશે કે કેમ તે જોવું રહ્યું.

રોડ ગજવતા વાહનો માટે કામ કરતી RTO કચેરી વિવાદોથી પણ ગાજતી રહે છે. ખાસ કરીને અમુક કર્મચારી ઓના કારણે ગેરરીતિના આક્ષેપો ઉઠતા રહે છે. તો બિન સત્તાવાર રીતે કામ કરતા એજન્ટો અને મળતીયાઓના આંટા ફેરા કચેરી આસપાસ થતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ગાંધીનગર કમિશ્નર સ્તરેથી આવેલી ટીમ દ્વારા આજે સવારથીજ કચેરીની અંદરના અને બહારના લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ વિશે આરટીઓ અધિકારી વિપુલ ગામીતે વ્યસ્તતા વચ્ચે તપાસ ચાલી રહ્યાને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *