RTOને બદનામ કરતાં વધુ એક પ્રપંચનો પર્દાફાશઃ જાણો, લેભાગુ તત્વોના હવાતિયાં

Contact News Publisher

ભુજ RTO કચેરીમાં પડ્યાંપાથર્યાં રહીને મીડિયાના નામે ધાક-ધમકી કરી સ્ટાફ પાસે ગેરકાયદેસર કામો કરવા દબાણ કરતાં લેભાગુ પત્રકારો કમ ફોલ્ડરોની ધમધમતી દુકાનો નવા RTO અધિકારીએ બંધ કરાવી દીધી છે. બેકાર બની ગયેલાં આડતીયાઓ રોજ દિ’ ઉગતાં જ DRDOમાં વૈજ્ઞાનિક રહી ચૂકેલાં RTO અધિકારી અને સ્ટાફને બદનામ કરવા નીત નવા કાવતરાં ઘડે છે. આવા વધુ એક કારસાને કચ્છ મોટરીંગ પબ્લિક સલાહકાર સંગઠન અને જિલ્લા પીયુસી એસોસિએશને પાધરો કર્યો છે.

છકડાચાલકની અરજી અને લેભાગુઓનો ગોકીરો

બે દિવસથી સોશિયલ મીડિયા પર પશ્ચિમ કચ્છ એસપીને ઉદ્દેશીને લખાયેલી માધાપરના એક છકડાચાલકની ફરિયાદ અરજીને લેભાગુ તત્વો વાયરલ કરી ગોકીરો મચાવવા હવાતિયાં મારી રહ્યાં છે. અરજીમાં છકડાચાલકે આરોપ કર્યો છે કે ૦૬-૦૩-૨૦૨૩ની સવારે શેખપીર ચેકપોસ્ટથી બે આરટીઓ ઈન્સ્પેક્ટર તેના છકડામાં બેસીને ભુજ આરટીઓ કચેરી ઉતર્યાં હતા. બંને જણે ભાડું આપ્યું નહોતું અને ભાડું માગતાં તેમણે પોતાની ઓળખાણ આપી ધાક-ધમકી કરી હતી.

હેતુપૂર્વક ઈન્સ્પેક્ટરોને બદનામ કરાવવા અરજી કરાવાઈ

‘પાઘડીનો વળ છેડે’ આવ્યો હોય તેમ જિલ્લા પીયુસી એસોસિએશનના પ્રમુખ ઉમર સમાએ ઘટસ્ફોટ કર્યો છે કે ‘છકડામાં આરટીઓ ઈન્સ્પેક્ટરો બેઠાં જ નહોતાં. હકીકતે તેમાં ખાનગી સિક્યોરીટી એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝ સિક્યોરીટી ગાર્ડ હતાં. ગાર્ડ અને રીક્ષાચાલક વચ્ચે ભાડું વધુ હોવા મામલે સામાન્ય રકઝક થયેલી. પરંતુ, લેભાગુ તત્વોએ ઈરાદાપૂર્વક આરટીઓ ઈન્સ્પેક્ટરને બદનામ કરવા આ અરજી કરાવડાવી છે. આ અરજી લખાવનારાં લેભાગુ તત્વો કોણ છે તેની પણ અમને ખબર છે’ આરટીઓ અને પોલીસ અધિકારીઓએ આ મામલે ઊંડા ઉતરી ઈન્સ્પેક્ટરોને બદનામ કરવાના હેતુથી રીક્ષાચાલક પાસે અરજી કરાવી વાયરલ કરનાર લેભાગુ તત્વોના કારસાને ખુલ્લો કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

હવાતિયાં મારતાં તત્વો ઠર્યાં હાસ્યાસ્પદ

આરટીઓ ઈન્સ્પેક્ટર (IMV)નો હોદ્દો વર્ગ બે અધિકારીનો છે, જે પોલીસ ઈન્સ્પેક્ટર સમકક્ષનો હોદ્દો છે. કચેરી દ્વારા તેમને ડ્યુટી પર લેવા મૂકવા માટે સરકારી વાહન ફાળવાયેલું હોય છે. ત્યારે, જાતે બની બેઠેલાં ‘સિનિયર’ પત્રકારો અને પડદા પાછળ રહેલાં લેભાગુ ગેંગના અસલી આકાઓએ પોતાની ‘સાબુ (સામાન્ય બુધ્ધિ)’નો ઉપયોગ કર્યાં વગર આ અરજી મામલે ગોકીરો મચાવતાં આમજનતા આગળ તેમની ખોરી દાનત ખુલ્લી પડી ગઈ છે.

બેકાર તત્વોની હાલત હડકાયાં શ્વાન જેવી બની

દુકાનો બંધ થતાં બેકાર બનેલાં ફોલ્ડરો અને લેભાગુ પત્રકારોની હાલત મગજ પરનો કાબૂ ગુમાવીને સતત ભાગંભાગ કરીને જે સામે મળે તેને કરડવા દોડતાં હડકાયાં શ્વાનો જેવી થઈ ગઈ છે. આ ‘હડકાયાં શ્વાન’ રોજ દિ’ ઉગે ને આરટીઓ કચેરી સામે સીસીટીવી કેમેરાની જેમ ગોઠવાઈ જાય છે. કચેરીમાં થતી તમામ હલચલ પર નજર રાખીને ‘કાગનો વાઘ’ બનાવી વિવિધ સરકારી વિભાગોને ટેગ કરી ટ્વીટ કર્યાં કરે છે, પોતાના ઓનલાઈન ફરફરિયામાં છાપીને તેના કટીંગ બે-ચાર જગ્યાએ ફેરવીને મિથ્યા સંતોષ માની લે છે. RTO આવા તત્વોને તાબે થવાના બદલે સખ્તાઈથી એક્શન લેતાં હોઈ લેભાગુઓ ભ્રામક સમાચારો, બોગસ અરજીઓ મારફતે હવાતિયાં મારી રહ્યાં છે.

કોઈપણ સરકારી કચેરી હોય, ત્યાં સંપૂર્ણ પારદર્શક્તા અને પ્રામાણિક્તા હોય તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. પરંતુ, આખા કચ્છમાં જાણે એકમાત્ર ભુજ આરટીઓ કચેરીનો તમામ સ્ટાફ ભ્રષ્ટ હોય તેમ ભ્રામક માહિતી દ્વારા રોજ ગોકીરો મચાવવા હવાતિયાં મારતાં ભ્રષ્ટ તત્વોની બદદાનતથી વાકેફ રહેવું પણ એટલું જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News