ગુજરાતમાં કોરોના વેક્સિન તળિયાઝાટક : અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત રાજ્યમાં વેક્સિનેશન બંધ, સરકારે કેન્દ્ર પાસે સ્ટોક માગ્યો

Contact News Publisher

ગુજરાતભરમાં એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના રાજ્યના મહાનગરોમાં વેક્સિનના સ્ટોકને લઈને અમદાવાદથી અનિરૂદ્ધસિંહ મકવાણા, વડોદરાથી જીતુ પંડ્યા અને રાજકોટથી રક્ષિત પંડ્યાએ જે તે શહેરની વેક્સિનેશનની સ્થિતિ અને કોરોનાના કેસની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, મહાનગરોમાં ક્યાંય કોરોના સામેના રક્ષાકવચ એવી કોવિશીલ્ડ, કોવેક્સિન કે કોર્બિવેક્સ વેક્સિનનો સ્ટોક નથી. રાજ્યમાં વેક્સિનનો સ્ટોક તળિયાઝાટક થઈ ગયો છે.

રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં આવી રહ્યા છે, રોજના અમદાવાદ શહેરમાં 125ની આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ અને તમામ પ્રકારની તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. ઓક્સિજનથી લઇ રેમડેસિવિર ઇન્જેક્શન પ્રમાણમાં છે, પરંતુ કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે આપવામાં આવતી વેક્સિનનો જથ્થો અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ નથી.