સુરત-કાપોદ્રા બ્રિજની પાળી પર યુવકે સ્ટંટ કરી ટ્રાફિકજામ કર્યો, વીડિયો વાઇલ થતાં પોલીસ હરકતમાં આવી

Contact News Publisher

સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. સુરત શહેરના બ્રિજ ઉપર ઘણા યુવકો ઓવરસ્પીડથી ગાડી ચલાવી સ્ટંટ કરતા સમયાંતરે જોવા મળતા હોય છે. ત્યારે આજે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજની પાળી ઉપર ચાલીને જોખમી સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ યુવક કોણ હતો એની કોઈ માહિતી મળી નથી. પોલીસ પાસે આ વીડિયો પહોંચતાં યુવકની શોધખોળ હાથ ધરી છે.

જીવના જોખમે યુવકનો બ્રિજની પાળી પર સ્ટંટ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજ ઉપર સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક યુવક બ્રિજની પાળી ઉપર બિનધાસ્ત રીતે ચાલી રહ્યો છે, જાણે તેને મોતનો પણ ડર ન હોય. વીડિયો જોતાં યુવક બ્રિજની પાળી ઉપર બેખોફ થઈને ચાલી રહ્યો છે. બ્રિજની ઊંચાઈ જોતાં જો આ યુવક બ્રિજની નીચે પટકાય તો તેનું મોત પણ થઈ શકે છે.

જીવના જોખમે એક ફૂટની પાળી પર યુવકનો સ્ટંટ.
જીવના જોખમે એક ફૂટની પાળી પર યુવકનો સ્ટંટ.

લોકો જોવા માટે એકત્રિત થતાં ટ્રાફિકજામ
સવારના સમયે કાપોદ્રા વિસ્તાર અતિવ્યસ્ત હોય છે. આ સમય દરમિયાન લોકો હીરાની ફેક્ટરીએ તેમજ કામકાજ માટે જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. વાહનચાલકોની પણ સંખ્યા આ સમયે ખૂબ જ વધુ પ્રમાણમાં રસ્તા ઉપર દેખાય છે. એકાએક જ આ યુવક કાપોદ્રા વિસ્તારના બ્રિજની પાળી ઉપર ચાલતો દેખાતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો થોભીને આ દિલધડક દૃશ્યો જોઈ રહ્યા હતા. એને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.

યુવક કોણ છે? એ અંગે કોઈ માહિતી નથી
વાઇરલ થયેલા આ વીડિયોમાં બ્રિજની પાળી ઉપર ચાલનારો યુવક કોણ છે? એ અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ જે રીતે તે બ્રિજની પાળી ઉપર ચાલી રહ્યો છે એને કારણે તે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો છે. યુવકે પોતાના જીવના જોખમે આ પ્રકારે સ્ટંટ કરવો ખરેખર તેના માટે પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. યુવક કોઈપણ ભય વગર પોતાના મોતને પડકાર ફેંકતો હોય એ રીતે ચાલતાં લોકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું.

અમે તપાસ કરવા ટીમ મોકલી છે: પીઆઇ
આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારનો વીડિયો અમારી પાસે પણ આવ્યો હતો. એને લઈને અમે ટીમ ઘટનાસ્થળ પર મોકલી હતી. ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ઘટના બની છે કે કેમ? નજીકની કોલેજના પ્રિન્સિપાલને પણ આ વીડિયો મોકલી દેવામાં આવ્યો છે. કોલેજનો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક છે, એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Exclusive News