તુર્કીમાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતી સ્ટુડન્ટનાં મોત:બે બનાસકાંઠાના અને પોરબંદરના વતની, હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા

Contact News Publisher

તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યાં હતાં. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં, જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયાં હતાં. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે

મૃતકોનાં નામ

1. પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા, સોઢાણા ગામ, પોરબંદર 2. જયેશ કેશુભાઈ આગઠ, રાણા કંડોરણા 3. અંજલિ મકવાણા, ભાંગરોડિયા, વડગામ તાલુકો 4. પૃષ્ટિ પાઠક, વડોદરા

તુર્કીમાં કિરેનિયા નજીક થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૃષ્ટિની માતા તુર્કીમાં જ છે અને ત્યાં પૃષ્ટીિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની અંજલિ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી. જોકે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ભાંગરોડિયાની અંજલિ મકવાણા સહિત ચાર ગુજરાતીનાં ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યાં હતાં. વિદેશની ધરતી પર ભાંગરોડિયા ગામની યુવતીનું મોત થતાં તેનાં પરિવારજનોમાં શોક છવાયો છે.પૃષ્ટિની માતા તુર્કીમાં છે. ત્યાં પૃષ્ટિની દફનવિધિ (અંતિમવિધિ) કરવામાં આવી છે.