આજે તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો:આરોપી પિતા-પુત્રને કેસ સેશન્સ કમિટ થયા બાદ કોર્ટમાં રજૂ કરાશે

Contact News Publisher

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે આજે તથ્ય પટેલની જામીન અરજી પર કોર્ટ આજે ચુકાદો આપશે. પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાશે.

તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે પ્રગ્નેશ પટેલ પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વેહિકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

તથ્ય પટેલની જામીન અરજી પર આજે ચુકાદો

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ સેશન્સ કમિટ થઈ ચૂક્યો છે. ત્યારે સેશન્સ કોર્ટની કાર્યવાહી આજથી શરૂ થશે. જેમાં બંને પિતા-પુત્રને આજે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત કરાશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં હવે પીડિત પક્ષની પણ એન્ટ્રી થઈ છે. જેમને તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી તેમજ પ્રગ્નેશ પટેલની વચગાળાની જામીન અરજી સામે વાંધો લીધો હતો. ગ્રામ્ય કોર્ટે પ્રગ્નેશ પટેલની જામીન અરજી ના મંજૂર કરી હતી. તેમજ મંગળવારે થયેલ તથ્ય પટેલની જામીન અરજી પર દલીલો બાદ ચુકાદો 24 ઓગસ્ટે અનામત રાખ્યો હતો.

આમ આજે તથ્યની જામીન અરજી પર કોર્ટ ચુકાદો આપશે. તેમજ સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ થતાં બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ત્યારબાદ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, પ્રગ્નેશ પટેલના જામીન ગ્રામ્ય કોર્ટે ના મંજૂર કરતા તેઓ હવે જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા છે. જેની ઉપર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.