જામનગરના સાંસદ, ધારાસભ્ય અને મેયર પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં

Contact News Publisher

ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. આ ટપાટપી પછી ત્રણેય નેતાઓને ગાંધીનગરમાં બોલાવાયા હતા. ત્રણેય મહિલા નેતાઓ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને મળ્યા હતા. આ પછી ત્રણેયના વ્યવહારથી ભાજપની આબરુ પર ઘા થયો હોવાથી ત્રણેય પાસેથી માફીપત્ર લખાવી લેવાયાં હોવાનું મનાય છે. આ બાબતે ભાજપ પ્રદેશના મુખ્ય પ્રવકત્તા યમલ વ્યાસને પૂછતા તેમણે કહ્યું હતું કે, ત્રણ મહિલા નેતાઓ પાસે માફીપત્ર લખાવ્યો હોવાનું મારી જાણમાં નથી.

આ ત્રણેય નેતાઓ ગાંધીનગરમાં જામનગરના મંત્રીઓને મળીને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ મળ્યા હતા. સાંસદો સાથેની બેઠકમાં મંગળવારે સાંસદ પૂનમ માડમ આવ્યા પછી તેમનો પણ ખુલાસો લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીના કોઠારીને પણ સાંભળવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું અને ત્રણેયને પક્ષની શિસ્તમાં રહીંને કામ કરવાની તાકીદ કરાઈ હતી.

આ ત્રણેય નેતાઓને લઇને જામનગરમાં ભાજપમાં મોટો વિવાદ ઊભો થયો હતો. મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં જામનગરના ત્રણેય મહિલા નેતાઓ મંત્રી રાઘવજી પટેલ અને મૂળુ બેરાને પણ મળ્યા હતા. જાહેરમાં શિસ્તના ધજાગરા થતા મોવડીમંડળ પણ નારાજ થયું હતું. આથી માફી પત્ર લખવવામાં આવ્યો હોવાનું મનાય છે. આ પછી મહિલા નેતાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી. આ મુદ્દે સાંસદ પૂનમ માડમનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શકયો ન હતો.