World Athletics Championship: નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદી અને ભારતીય સૈન્યએ કરી પ્રશંસા

Contact News Publisher

નીરજ ચોપરાએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. નીરજ ચોપરાની આ સિદ્ધિ પર તેને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.

નીરજ ચોપરાને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ ‘X’ (અગાઉના ટ્વિટર) પર લખ્યું હતું કે  ‘ટેલેન્ટેડ નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને ઝનૂન તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમત જગતમાં અપ્રતિમ શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ તેને અભિનંદન.

ભારતીય સેનાએ સુબેદાર નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પુરુષોના ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નીરજ ચોપરા સેનામાં સુબેદાર તરીકે તૈનાત છે.

ભારતીય સેનાએ ‘X’ પર લખ્યું હતું કે  ‘નીરજ ચોપરાએ ફરી એકવાર અમને ગૌરવ અપાવ્યું. ભારતીય સેના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 88.17 મીટરના થ્રો સાથે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુબેદાર નીરજ ચોપરાને અભિનંદન આપે છે.

કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ ઐતિહાસિક ક્ષણ ગણાવી

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અનુરાગ ઠાકુરે X પર લખ્યું હતું કે  “નીરજ ચોપડાએ ફરી કરી દેખાડ્યું છે.  ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકની સ્પર્ધા જીતી હતી. આ સાથે નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ” આખા દેશને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમત ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે.”