રાખડી બંધાવવા ગયેલા ભાઈને બહેનની ગળાફાંસો ખાધેલી લાશ મળી

Contact News Publisher

રાજકોટમાં ભાઈ – બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનના દિવસે બહેન વર્ષાબેન સુનીલભાઈ અળકીયા (ઉ.વ.૨૦) ના ઘરે રાખડી બંધાવવા ગયેલા ભાઈને બહેનનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. માવતરે રાખડી બાંધવા જવાનું કહેતા પતિએ સાસુને લઈ વિંછીયા મામાના ઘેર રાખડી બાંધી પરત આવી લઈ જવાનું કહેતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે નારાયણનગર શેરી નં. ૩માં રહેતાં વર્ષાબેન (ઉ.વ.૨૦)નાં લગ્ન પોણા બે વર્ષ પહેલા મજુરી કામ કરતા સુનીલ સાથે થયા છે. ચાર બહેન અને એક ભાઈમાં નાની વર્ષાબેનના માવતર ગંજીવાડા વિસ્તારમાં રહે છે.

આજે રક્ષાબંધન હોવાથી તેને માવતરે ભાઈને રાખડી બાંધવા જવુ હોવાથી પતિને વાત કરી હતી. પરંતુ પતિએ પહેલા તે તેના માતાને લઈ વિંછીયા રહેતા મામાને ઘેર રાખડી બાંધવા જઈ પરત આવી તેને લઈ જવાનું કહ્યું હતું. આથી પહેલા વર્ષાબેનને રાખડી બાંધવા જવું હોવાથી લાગી આવતા પતિ અને સાસુ વિંછીયા ગયા બાદ પાછળથી ઘરે એકલા વર્ષાબેને પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરફ ગંજીવાડામાં રહેતા તેના ભાઈનું સાસરીયા પક્ષના લોકો વર્ષાબેન રહે છે તેજ વિસ્તારમાં રહેતો હોય તે પત્ની સાથે ત્યાં આવ્યો હતો. બાદમાં તે પણ વર્ષાબેન પાસે રાખડી બંધાવવા તેના ઘરે પહોંચ્યો હતો.

જયારે ઘરે જતા ઘર બંધ હતું. દરવાજો ખટખટાવવા છતાં નહી ખોલતા તેણે બળપ્રયોગ કરી ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો. ઘરે અંદર જતા વર્ષાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તે આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો. તાત્કાલ ૧૦૮ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેના તબીબે જોઈ તપાસી વર્ષાબેનને મૃત જાહેર કર્યા હતાં. જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઈ. એચ.જે. સોલંકી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.