આદિત્ય-એલ 1 અવકાશયાન સંપૂર્ણ સજ્જ : બીજી સપ્ટેમ્બરના લોન્ચ પહેલાં રિહર્સલ-રોકેટ પરીક્ષણ પૂરા

Contact News Publisher

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએ આજે એવી માહિતી  આપી હતી કે સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેના આદિત્ય -એલ૧ અવકાશયાનને સફળતાપૂર્વક તરતું મૂકવા માટે લોન્ચ રિહર્સલ (અવકાશયાનને તરતું મૂકતાં પહેલાંનો  ટેકનિકલ પૂર્વઅભ્યાસ) તથા રોકેટના આંતરિક પરીક્ષણની બધી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે.

આદિત્ય-એલ ૧ અવકાશયાન ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે બપોરે ૧૧:૫૦ વાગે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી ૫૭ (પીએસએલવી-સી ૫૭) દ્વારા શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલા લાગ્રાન્ગ પોઇન્ટ-૧ પર જવા તરતું મૂકાશે.

સૂર્યની ગતિવિધિનો ગહન અભ્યાસ કરવાનો ભારતનો આ પ્રથમ પ્રયાસ છે.વળી, આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વદેશી પણ છે.

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી  હતી કે આદિત્ય – એલ ૧ નો હેતુ સૂર્યના ત્રણ હિસ્સા- ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના (સૂર્યની બાહ્ય કિનારી)નો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. આ દ્રષ્ટિએ તો આદિત્ય-એલ ૧ અવકાશયાન વેધશાળા તરીકે વિશિષ્ટ કામગીરી કરશે.સૂર્યમાં થતી ભયાનક અને અકળ ગતિવિધિની અસર પૃથ્વી પર  કેવી અને કેટલી  થાય છે તેનો અમે અભ્યાસ કરવા ઇચ્છીએ છીએ.ખાસ કરીને સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન(તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય છે) જેટલું તાપમાન હોય છે જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના)નું તાપમાન ૧૦ લાખ ડિગ્રી કેલ્વિન જેટલું અતિ ઉકળતું હોય છે. સૂર્યના જ આ બે હિસ્સાના તાપમાન વચ્ચે આટલો મોટો તફાવત ચોક્કસ કયાં પરિબળોને કારણે રહે છે તે સમજવા વિશ્વના ખગોળશાસ્ત્રીઓ ઘણા દાયકાથી સંશોધન કરી રહ્યા છે.

આદિત્ય-એલ ૧ અવકાશ યાનમાં કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવાશે. જોકે વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવામાંભારતની અન્ય  વિજ્ઞાન સંસ્થાઓનું પણ મહત્વનું યોગદાન છે. ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (આઇ.આઇ.એ.) દ્વારા વિઝિબલ એમીશન લાઇન કોરોનાગ્રાફ (વીઇએલસી) નામનું મહત્વનું ઉપકરણ બનાવ્યું છે.જ્યારે સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (એસયુઆઇટી) પુણેની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ   (આઇયુસીએએ-આઇયુકા)ના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું છે.

અગાઉ આ જ પ્રોજેક્ટનું નામ આદિત્ય -૧ હતું અને તેમાં ફકત એક વૈજ્ઞાનિક ઉપકરણ-વીઇએલસી-સાથે પૃથ્વીથી ૮૦૦ કિલોમીટરના અંતરે તરતું મૂકવાનું હતું.

હવે જોકે આ જ પ્રોજેક્ટનું નામ આદિત્ય-એલ ૧ રાખવામાં આવ્યું છે, જે પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના દૂરના અંતરે ગોઠવાશે.આદિત્ય-એલ ૧  આકાશના આ દૂરના અંતરે   ગોઠવાશે તો તેને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની કોઇ જ અસર નહીં થાય. સાથોસાથ તે સતત સૂર્ય તરફ રહીને મહત્વનું સંશોધન પણ કરી શકશે.