અમદાવાદ: નકલી સાધુ અને અઘોરીના વેશમાં ચોરીને આપ્યો અંજામ, લોકોને હિપ્નોટાઈઝ કરીને ચોરી કરતી મદારી ગેંગ ઝડપાઈ

Contact News Publisher

સોલા સાયન્સ સીટી પાસે એક સિનિયર સીટીઝનને અઘોરીનો વેશ ધારણ કરી નકલી સાધુ બન્યા હતા. આ નકલી સાધુઓ લોકોને હિપ્નોટાઇઝ કરીને સોનાના દાગીના ચોરી કરતાં હતા. આ સમગ્ર બાબતે ઝોન 1 LCB સ્કોર્ડએ બાતમીના આધારે અનિલ મદારી નામના યુવકની ધરપકડ કરી છે.આ આરોપી મદારી ગેંગનો સાગરીત હતો. તેની પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના પણ મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી અનિલ મદારી ચોરીના સોનાના દાગીના વેચવા જઇ રહ્યો હતો. તેની પાસેથી 52 ગ્રામના 2.33 લાખના દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. આ આરોપી અને મદારી ગેંગના અન્ય આરોપીઓ મળીને સિનિયર સીટીઝન અને રાહદારીઓને ટાર્ગેટ કરીને આસ્થાના નામે ચોરીને અંજામ આપતા હતા.પકડાયેલ મદારી ગેગના સાગરીતની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે આ ટોળકી દહેગામ નજીક આવેલા ગણેશપુરા ગામમાં રહે છે અને સાધુ અને અઘોરી બાવાનો વેશ ધારણ કરીને દેશના જુદા જુદા રાજ્યોમાં આસ્થા અને શ્રદ્ધાના બહાને વિશ્વાસ કેળવીને નજર ચૂકવીને ચોરી કરતા હોય છે. આ ટોળકી હિપ્નોટાઇઝ કરવામાં એક્સપર્ટ છે.

આ મદારી ગેંગના આરોપીઓ એક ગાડીમાં બે કે ત્રણ નીકળતા હતા. તેઓ એક સાધુ વેશ ધારણ કરતો તો બીજો અઘોરી બાવા બનતો હતો અને રાહદારીઓને નજીકમાં શંકર ભગવાનના મંદિરનું સરનામું પૂછવાના બહાને તેની સાથે વાતચીત કરતા જે બાદ નકલી સાધુ ગાડીમાં બેઠેલા નકલી અઘોરી બાવા પાસે બોલાવીને જે તે વ્યક્તિને હિપ્નોટાઇઝ કરતા હતા અને તેમની કિંમતી વસ્તુઓ ચોરી ફરાર થઇ જતા હતા. આ ટોળકીએ દેશ ભરમાં આંતક મચાવ્યો છે.પોલીસે ચોરી કરનાર નકલી સાધુની ધરપકડ કરી પરંતુ હજુ પણ અન્ય એક નકલી અઘોરી બાવા ફરાર છે. સાથે આ મદારી ગેંગમાં અન્ય આરોપીઓની સંડોવણીને લઈને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ આ મદારી ગેંગ દ્વારા શહેરમાં અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પરંતુ લોકોએ આવા અઘોરી બાવાથી ચેતવાની જરૂર છે.