હનુમાનજીના ભીંતચિત્રો બાદ વધુ એક વિવાદ

Contact News Publisher

અમદાવાદઃ ગુજરાતમાં સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સ્વામીનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતો રોષે ભરાયા હતાં. ત્યાર બાદ સરકાર આ વિવાદમાં વચ્ચે પડતાં ભીંતચિત્રો હટાવીને વિવાદ ઉકેલી લેવામાં આવ્યો હતો. આટલેથી નહીં અટકતાં સ્વામીનારાયણ સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરૂદ્ધ અપાયેલા નિવેદનોના વીડિયો વાયરલ થતાં મામલો વધુ બિચક્યો હતો. જે હજુ સુધી ઠંડો નથી થયો. ત્યારે હનુમાનજી બાદ હવે ભગવાન ગણેશને લઈને વધુ એક વિવાદ શરૂ થયો છે. લુણાવાડામાં સ્વામિનારાયણ ભગવાનનાં ખોળામાં ગણેશજીને બેસાડતા વિવાદ ઉભો થયો છે. લુણાવાડા છપય્યા ધામ બહાર ગણેશ મહોત્સવ દરમિયાન સહજાનંદ સ્વામી અને ભગવાન ગણેશનું વિવાદિત પોસ્ટર લગાવેલ હતું. જેમાં ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ કરતા નાના બતાવાયા છે. આ સમાચારો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતા થઈ જતાં વિવાદિત પોસ્ટર તેમજ ગણપતિની મૂર્તિ પાછળનું સહજાનંદ સ્વામીનું સ્ટેચ્યુ પણ હટાવી લેવાયુ હતું. આ પોસ્ટરમાં દેખાતા ભાજપના દિગ્ગજ નેતા જે.પી.પટેલની તસવીર તેમનું સ્વાગત કરતા મુકવામાં આવી છે.જે.પી પટેલ એક વખત પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અને બે વખત મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે અને તેઓ પોતે ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ અને શિક્ષણ બોર્ડના સભ્ય છે.