રાજકોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો:એસઓજી પોલીસે 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત 18.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા

Contact News Publisher

રાજકોટ શહેરમાં પોલીસના અથાગ પ્રયાસો છતાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવે છે. ત્યારે વધુ એકવાર એસઓજી પોલીસે શહેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડીને એસઓજીએ રૂ. 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત કુલ રૂ. 18.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. અને આ મામલે મુંબઈનાં શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ કિડવાઇનગર રોડ તુલસીબાગ પાસે સાધના એપાર્ટમેન્ટની સામે મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચૌહલા નામના બે શખ્સો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને લઈ એસઓજી પોલીસની ટીમે દરોડો પાડી બંને શખ્સોને ઝડપી લીધા હતા. અને બંને પાસેથી રૂ. 13 લાખનો મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ મોબાઈલ અને એક કાર સહિત કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં તેઓએ આ ડ્રગ્સનો જથ્થો મુંબઇનાં હાર્દિક હર્ષદભાઈ પરમાર પાસેથી લીધો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે એસઓજીની ટીમે મુંબઇનાં સપ્લાયર હાર્દિકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ ઝડપાયેલા બંને આરોપીઓ કેટલા સમયથી આ કારોબાર કરતા હતા ? અને અત્યાર સુધીમાં કોને કેટલો ડ્રગ્સનો જથ્થો વેચ્યો છે ? તે સહિતની જાણકારી લેવા માટે બંનેના રિમાન્ડ મેળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીઓની વિશેષ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Exclusive News