કુતરા પકડવા કેમ આવતા નથી કહી કોર્પોરેશનના કર્મચારી ઉપર ટોળાનો હુમલો

Contact News Publisher

ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર ૩૦માં આવેલા ઢોર ડબ્બામાં ગઈકાલે ચરેડીના શખ્સો હથિયારો સાથે ઘૂસી ગયા હતા અને કુતરા પકડવા માટે કેમ આવતો નથી તેમ કહી ડોગ કેચરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે સેક્ટર ૨૧ પોલીસ પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે મથામાં શરૃ કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓની સાથે અલગ અલગ સેક્ટરોમાં રખડતા કુતરા પણ પકડવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર ૩૦માં આવેલા ઢોર ડબ્બા ખાતેથી આ કુતરા પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે એનિમલ બર્થ કંટ્રોલની ઓફિસમાં ડોગ કેચર તરીકે નોકરી કરતો સોમસિંગ તડવી હાજર હતો તે સમયે બે શખ્સો તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે ચરેડીના છાપરામાં કુતરા પકડવાના છે તમે ક્યારે આવશો. જેથી તેણે આવતીકાલે આવવાની વાત કરી હતી. ત્યારબાદ આ કર્મચારીનો મોબાઇલ નંબર લઈને આ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. થોડા સમય પછી જ તેના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો અને કહેવાયું હતું કે ચરેડી છાપરામાં હાલ જ રખડતા કુતરા પકડી જા સામે રહેલા વ્યક્તિએ ગાળા ગળી કરતા સોમસિંગે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ચરેડીમાં રહેતો સાવન કિશનભાઇ ભીલ પાંચ શખ્સો સાથે હથિયારો સાથે ઢોર ડબ્બે ઘૂસી આવ્યો હતો અને સોમસિંગને કહ્યું હતું કે તું કુતરા પકડવા કેમ આવતો નથી. તેમ કહી ઓફિસ બહાર ખેંચી લાવીને લાકડીઓ તથા લોખંડના સળિયા વડે માર માર્યો હતો. જેથી તેણે બુમાબૂબ કરતા આસપાસના સ્ટાફના માણસો અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. ત્યારબાદ આ શખ્સો જતા જતા હવે ગેટની બહાર નીકળ્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નીકળી ગયા હતા ત્યારે આ મામલે હાલ સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ શરૃ કરી છે.