અમદાવાદમાંથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ: સાયબર ક્રાઇમ-કસ્ટમ વિભાગનું મેગા ઓપરેશન, પુસ્તકોમાં છૂપાઇને લવાયું

Contact News Publisher

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે તેને રોકવું હવે લગભગ શક્ય નથી. રોજ ‌બિલાડીના ટોપની જેમ પેડલર્સ વધી રહ્યા છે, જેમનો ટાર્ગેટ રાતોરાત રૂપિયા કમાવવાનો છે. ક્રાઇમ બ્રાંચે, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહેનત કરે છે, પરંતુ આ ધંધો એટલી હદે ફેલાઇ ગયો છે કે તે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે અમદાવાદમાંથી ફરી 48 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ સહિત સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પેડલરો પુસ્તકોના પાના કૉકેઇનમાં પલાડી નશાકારક બનાવી પુસ્તકો ઈન્ટરનેશનલ કુરિયર મારફતે મંગાવવામાં આવતા હતા, કૉકેઇન યુક્ત પુસ્તકોના પાના કાપીને ઉપયોગમાં લેવાતા હોવાનો ખુલાસો થયો છે.

આ ઉપરાંત ડાર્ક વેબનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કુરિયરોથી ડ્રગ્સની ડિલિવરી થતી હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકોને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉનમાંથી પકડવામાં આવ્યા છે. ગોડાઉનમાંથી ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં પુસ્તકો જપ્ત કર્યા છે. ડાર્ક વેબ મારફતે ડ્રગ્સ મંગાવીને તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે.  ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ ખરીદનારાઓને ટ્રેસ કરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતાં પોલીસ પણ હચમચી ગઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ, સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું.