પાદરામાં મોડી રાત્રે ધીંગાણું: બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા SP સહિતનો કાફલો દોડી આવ્યો

Contact News Publisher

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન અને ઈદનો તહેવાર ઉજવાણી કરવામાં આવી હતી, ત્યારે આ તહેવાર પર વડોદરાના પાદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. પાદરામાં કોમી છમકલાથી બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું થયું હતું, જે બાદ પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે મોડી રાતે કોમ્બિંગ હાથ ધરી 10થી વધુ લોકોની અટકાયત કરી છે.

વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો ગરમાયો હતો. આ પછી બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી.

જે બાદ હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીને દોષિતોને કડક સજાની માંગ કરી હતી. હિન્દુ સંગઠને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવાની માંગ કરી હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. રાત્રી દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી. તો ઘટનાને લઇ SP રોહન આનંદ પાદરા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા.