ઘરફોડ અને ચેઇન સ્નેચિંગ કરતી ચીખલીગર ગેંગનો પર્દાફાશ : 42 ગુનાના ભેદ ઉકેલાયા

Contact News Publisher

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચીંગના ગુનાઓ સતત વધી રહ્યા હતા ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં આ ગુનાઓને અંજામ આપતી ચીખલીગર ગેંગને ઝડપી લીધી છે અને ચોરીનો માલ ખરીદનાર સોની સહિત છ આરોપીઓને ઝડપી લીધા છે જેમની પાસેથી ચાર લાખ રૃપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરીના બનાવો સાવ સામાન્ય બન્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેર અને આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચીંગના ગુનાઓ સતત વધી રહ્યા હતા જેના પગલે ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસને એલર્ટ રહીને આ પ્રકારના ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને ગાંધીનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા અને એચ.પી પરમારની ટીમો પેટ્રોલિંગ કરીને આરોપીને પકડવા માટે મથી રહી હતી દરમિયાનમાં બાતમી મળી હતી કે, ચીખલીગર ગેંગના સાગરિતો દિવસ દરમ્યાન સફેદ કલરના પીકઅપ ડાલા સાથે ભૂંડ પકડવા તથા ફુગ્ગા વેચવાના બહાના હેઠળ રાત્રી તેમજ વહેલી સવારે ઘરફોડ તથા ચેઇન સ્નેચીંગના ગુનાઓ આચરે છે. જે ગેંગને સેક્ટર-૨૫ જી.આઇ.ડી.સી. વિસ્તાર કોલવડા ગામ તરફ જતા રોડ ઉપર પીકઅપ ડાલુ, બાઈક સાથે ઝડપી લીધી હતી. જેમની પૂછપરછમાં તેમણે પોતાના નામ ત્રિલોકસિંઘ છોટસિંઘ ભાદા રહે.પેથાપુર તરપોજવાસ, મોહબતસિંઘ ઉર્ફે ચાચી કરણસિંઘ, સતનામસિંઘ ઉર્ફે સોનુ કરણસિંઘ રહે. સેકટર-૧૩ ટોરેન્ટની બાજુમા આવેલા છાપરા, કલ્લુસિંધ રણજીતસિંઘ ભાધા રહે.બોરીજ નવાપરામા, બળદેવભાઇ કેશાભાઇ પુરબીયા રહે. સેક્ટર – ૨૦, ક્વોટસ નં. ૧/૨, જ ટાઈપ તેમજ નટવરભાઇ વાઘમલભાઇ સોની રહે. ૩૦૧, બી બ્લોક વિરાજ એપાટમેન્ટ, પેથાપુર હોવાનું જણાવ્યું હતું. જેમની પાસેથી પોલીસે મોબાઇલ ફોન નંગ- ૬, પીકઅપ ડાલુ, ઘરફોડ ચોરી તથા બાઇક ચોરી કરવાના સાધનો, સોના ચાંદીના દાગીના તેમજ બે બાઇક મળીને કુલ ૩.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ આરોપીઓની પૂછપરછમાં હજી વધુ ગુના પણ ઉકેલાઈ શકે છે

ગાંધીનગર પોલીસે ઘરફોડ અને ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચારતી આ ટોળકી દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ભૂંડ પકડવા અને ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી અને ત્યારબાદ બંધ મકાનોની રેકી કરી ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. તેના બે મુખ્ય સૂત્રધાર ત્રિલોકસિંગ તેમજ મહોબતસિંહ વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયેલા છે. જ્યારે સેક્ટર ૨૦માં દુકાન ચલાવતો બળદેવ ચોરીનો માલ ખરીદીને પેથાપુરના નટવર સોનીને આપતો હતો

અત્યારે મોટાભાગના ગુનાઓ ઉકેલવામાં પોલીસના મોબાઈલ મદદ કરી રહ્યો છે ત્યારે આ ટોળકી ગુનાઓ આચરવા માટે મોબાઈલનો ઉપયોગ ટાળતી હતી જેથી કરીને પોલીસ તેમના સુધી સરળતાથી પહોંચી શકે નહીં. આ ગેંગના સાગરીતો વિરુદ્ધ ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૫ જેટલા ગુનાઓ પણ અગાઉ નોંધાઈ ચૂકેલા છે. એટલું જ નહીં પાસા સુધીના પગલાં પણ તેમની સામે ભરવામાં આવ્યા છે.