મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક રાજકોટ લઈ જતા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ

Contact News Publisher

મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી દારૂનો મોટો જથ્થો એક બંધ બોડીની ટ્રકમાં ભરીને રાજકોટ લઈ જતા બે શખ્સોની કરજણ હાઈવે પરથી જિલ્લા પોલીસે ધરપકડ કરી દારૂની 4,548 બોટલ સહિત કુલ 28.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસનો એલસીબીનો સ્ટાફ કરજણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે દારૂનો જથ્થો ભરેલી મહારાષ્ટ્ર પાર્સિંગની બંધ બોડીની એક ટ્રક કરજણ ટોલનાકા પરથી પસાર થઈ વડોદરા તરફ જવાની છે. આ બાતમીના આધારે જિલ્લા પોલીસનો સ્ટાફ હાઇવે પર ભારત કોટન ત્રણ રસ્તા પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો. દરમ્યાન બાતમી મુજબની એક બંધ બોડીની ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં મુકેશસિંહ રાજપુત અને વિનોદસેન હીરાલાલ સેન મળ્યા હતા. પોલીસે બંને શખ્સોની પૂછપરછ કરતા ટ્રકમાં હીરો હોન્ડાના સ્પેરપાર્ટસ ભરેલા છે તેમ જણાવી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેનું સપના સંગીત મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું બિલ અને ઈન વે બિલ રજૂ કર્યું હતું. પોલીસે બંને શખ્સોને સાથે રાખી બંધ બોડીની ટ્રકમાં તપાસ કરતા હીરો હોન્ડાના સ્પેરપાર્ટસની જગ્યાએ દારૂની બોટલો મૂકેલી પેટીઓનો જથ્થો મળ્યો હતો. દારૂના જથ્થા અંગે બંને પાસે લાયસન્સ ન હોવાથી પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ બંધ બોડીની ટ્રક મળી 28.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતા મૂળ રાજસ્થાનના ભરતસિંહ દેવીલાલ સેને મહારાષ્ટ્રના ભીવંડી ખાતે આવેલ ચારોટી ઓવર બ્રિજ પાસેથી દારૂ ભરેલી ટ્રક આપી હતી અને રાજકોટ જવાનું હતું. રાજકોટ પહોંચ્યા પછી દારૂનો જથ્થો કોને આપવાનો છે તે જાણવા વોટ્સએપ કોલ કરવાનો હતો. આ અંગે એલસીબીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.