શિહોરી હાઈવે પર પોલીસની ગાડી અચાનક ડિવાઈડર સાથે અથડાઈને પલટી, ચાર લોકો ઈજાગ્રસ્ત

Contact News Publisher

પાટણ શહેરમાં આજે સવારે પોલીસની ગાડીના અકસ્માતની ઘટના સામે આવી છે. શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલી પોલીસની ગાડી અચાનક ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાતા પલટી ગઈ હતી. ગાડીમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શિહોરી હાઈવે પરથી સરસ્વતી પોલીસ સ્ટેશન જતી પોલીસની ગાડી મારતવાડી નજીક આજે અચાનક ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડતાં પડતાં રહી ગયો હતો. પોલીસની ગાડીમાં સવાર કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ ત્યાંથી પસાર થતા એક રાહદારી યુવકને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં.

આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ પોલીસ તપાસ થશે. ગાડી વાગડોદ પોલીસની હતી અને તેમાં સિવિલ ડ્રેસમાં ત્રણ પોલીસકર્મીઓ સવાર હતા. ગાડી ડિવાઇડર સાથે અથડાઇ ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતી. આ યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગાડીમાં સવાર ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.