વડોદરા જિલ્લાના ચાર મંદિરોનો વિકાસ કરવાનો નિર્ણય : ગુજરાત સરકારે 7 કરોડથી વધુ રકમ ફાળવી

Contact News Publisher

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના ચાર તીર્થસ્થાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જીપીવાયવીબીના સચિવ આર.આર.રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં જીપીવાયવીબીના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી કે જેમાં મુખ્યમંત્રીએ બોર્ડની ગ્રામ્ય કક્ષાના દેવસ્થાનોના વિકાસ અંગેની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ શ્રી ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.