આવા લક્ષણો દેખાય તો તરત સાઈડમાં જતાં રહેવું, પાણી પીવું…: નવરાત્રીમાં હાર્ટઍટેકને લઈને જાણો કઈ બાબતોનું ખાસ રાખવું ધ્યાન

Contact News Publisher

ગરબાનો તહેવાર ભક્તિ અને આનંદનો હોય છે. નવરાત્રીનાં દિવસોમાં તમામ ગુજરાતીઓ પોતાના પારંપરિક વસ્ત્રો પહેરીને ગરબાનાં તાલે ઝૂમવા તૈયાર થતાં હોય છે. તેવામાં આપણે કેટલાક એવા ચોંકાવનારા બનાવો જોયા છે જેમાં ગરબા રમતી વેળાએ લોકોનું મૃત્યુ નિપજ્યું છે. થોડા દિવસો પહેલાં સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો. આ સિવાય જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેવામાં આવું કંઈક આપણાં કે આપણાં નજીકી સાથે ન બને તે માટે ગરબા રમતાં પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે:

ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

ખેલૈયાએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ.
  • તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. યોગ્ય લાગે તો એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ગરબા માટે તેમની મંજૂરી મેળવી જોઈએ જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે: બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રદય ની તપાસ કરાવી યોગ્ય રહશે..
  • જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસ ની તકલીફ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ.
  • કૃપા કરીને પૂરતું પાણી લો. દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.
  • કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટૅશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો.
  • તમને કોઈ બીમારી હોય તો તમારા સાથે લોકો ને તેની જાણ કરશો જેથી કોઈ સ્વાસ્થ્ય ની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી સકે
  • ગરબા આયોજકોએ આ બાબતોનું રાખવું ધ્યાન

    • જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડૉક્ટરને રાખવું યોગ્ય રહશે.
    • નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી.
    • તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ ને CPR ટેકનિક ની તાલીમ આપો.
    • ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.
    • ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો
    • બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરો માં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો. ગરબા એ આપણા ગુજરાતનું જીવન છે. આપણે બધાને તેનો સંપૂર્ણ આનંદ માણવો ગમે છે. તે આપણને દૈવી શક્તિ સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ આ કપરા સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે, કૃપા કરીને કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરો.

    .