સૌરાષ્ટ્ર – કચ્છમાં વધતુ પાવરચોરીનુ દૂષણ : છ મહિનામાં 128 કરોડની વીજચોરી પકડાઈ

Contact News Publisher

દર ત્રણ મહિને વીજકંપની દ્વારા યુનિટમાં કરવામાં આવતાં ભાવવધારાનાં પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં રહેણાંક અને કોમર્શિયલમાં પાવરચોરીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા છ મહિનામાં પીજીવીસીએલએ રૂા. ૧૨૮.૨૭ કરોડની ૪૨૫૦૫ સ્થળોએ વીજચોરી ઝડપી લીધી છે.

વીજકંપનીનાં સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્યુટર એનાલીસીસના આધારે એવું જાણવા મળ્યું છે કે, ઉદ્યોગોમાં વ ીજચોરીનું દુષણ નહીવત હતું તે અત્યારે સૌથી વધુ થઈ ગયું છે. તેની પાછળ વીજવધારો જવાબદાર છે, આવી જ સ્થિતિમાં સામાન્ય લોકોની બની છે, કારણ કે વીજયુનિટમાં થયેલા વધારાના કારણે દર મહિને નાના અને મધ્યમવર્ગના પરિવારો ઉપર ૫૦૦થી ૭૦૦ રૂપિયાનો વધારો થતા હવે આ લોકો ચોરીના રવાડે ચડયા છે.

પીજીવીસીએલની આશરે ૫૦૦ થી વધુ ટુકડીએ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ૨,૩૭૫૫૬ કનેકશનની ચકાસણી કરતા તેમાંથી ૪૨૫૦૫ કનેકશનમાં રૂા. ૧૨૮.૨૭ કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. તેમાં ઔદ્યોગિકમાં ૨૨૫ જગ્યાએથી ૧૫૨૦ લાખ, રહેણાંકમાં ૩૫૬૬૫ જગ્યાએથી ૭૫૭૩ લાખ, વાણીજયમાં ૪૧૧૬ જગ્યાએથી ૩૧૩૦ લાખ અને ખેતીવાડીમાંથી ૨૪૬૯ જગ્યાએથી ૬૦૨ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે.સુત્રોએ વધુમાં કહ્યું હતું કે, ૨૨૦૪ આસામીઓને ૧થી ૧૦ લાખ, ૪૪ આસામીઓને ૧૦થી ૨૫ લાખ, ૧૬ આસામીઓને ૨૫થી ૫૦ લાખ, ૧૨ આસામીઓને ૫૦ લાખથી એક કરોડ અને ૩ આસામીને ૧ કરોડથી વધુન્ી બીલ ફટકારવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ વીજચોરી ભાવનગરમાં ૫૫૦૨ આસામીઓને ૨૦૪૭ લાખ, સુરેન્દ્રનગરમાં ૪૮૪૦ આસામીઓને ૧૫૩૪ લાખ, રાજકોટ શહેરમાં ૪૩૮૫ સ્થળોએથી ૧૦૪૧ લાખ, રાજકોટ ગ્રામ્યમાં ૪૨૯૦ જગ્યાએથી ૧૨૪૪ લાખ, મોરબીમાં ૨૮૦૫ જગ્યાએથી ૭૮૪ લાખ, પોરબંદરમાં ૩૭૦૩ સ્થળોએથી ૮૭૭ લાખ, જામનગરમાં ૩૩૨૧ સ્થળેથી ૧૧૩૧ લાક, ભૂજમાં ૧૪૯૫ સ્થળોએથી ૫૬૪ લાખ, અંજારમાં ૧૯૭૧ સ્થળેથી ૧૧૭૭ લાખ, જૂનાગઢમાં ૩૯૯૨ સ્થળેથી ૧૦૮૦ લાખ, અમરેલીમાં ૩૬૮૧ સ્થળેથી ૭૮૯ લાખ અને બોટાદમાં ૨૫૩૦ સ્થળેથી ૫૫૫ લાખની વીજચોરી પકડવામાં આવી છે.

રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે ૩૩ ટીમોએ પરમેશ્વરપાર્ક, આરએમસી આવાસ, સતાધારપાર્ક, બંસીધર પાર્ક, સ્લમ કવાર્ટર, રૈયા, ખોડિયારનગર, નહેરૂનગર, રઝાનગર, નુરાનીપરા, ભીલવાસ, સદર સહિતના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. તેમાં ૬૯૫ કનેકશનની ચકાસણી કરતા ૭૯ જોડાણમાં ગેરરીતિ મળતા આસામીઓને ૨૨.૪૩ લાખના બીલ ફટકારવામાં આવ્યા હતાં. આમ ચાર દિવસમાં શહેરમાંથી કુલ ૮૧.૯૬ લાખની વીજચોરી પકડાઈ છે.