મોબાઈલ છુપાવવાની મશ્કરી મોંઘી પડી, મિત્રના હાથે મિત્રની હત્યા

Contact News Publisher

રાજકોટમાં મોબાઈલ છુપાવવાની મશ્કરી કરનાર યુવકની તેના જ મિત્રએ મારકૂટ કરી, ગળું દબાવી હત્યા નિપજાવી હતી. બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનના ધોલપુર જીલ્લાના ગુનપુર ગામના વતની વિવેક ગજરાજસિંહ તોમર (ઉ.વ.ર૭) છેલ્લા સાતેક માસથી શ્રી રણછોડનગર શેરી નં.૬માં તેના જ ગામના હરીઓમ શર્માની પિતંબરા એક્સપ્રેસ નામની આંગડિયા પેઢીમાં કામ કરે છે. તેનો ફઈનો પુત્ર હરવીરસિંહ રામવ્રજસિંહ પરમાર (ઉ.વ.ર૦) છેલ્લા ૧પ દિવસથી તેની સાથે કામે લાગ્યો હતો.  આ બંને ઉપરાંત અન્ય માણસો આંગડિયા પેઢીના રૂમ ખાતે જ રહેતા હતા.

બાજુમાં જ આવેલી બીજી પેઢીમાં પણ મૂળ રાજસ્થાનના યુવાનો કામ કરતા હતા. આ બધા યુવાનો શ્રી રણછોડનગર  શેરી નં.૩ ખાતે પિતંબરા એકસપ્રેસ આંગડિયા પેઢીના રૂમનો જ ન્હાવા ઉપરાંત જમવા વગેરે માટે ઉપયોગ કરતા હતા. નિત્યક્રમ મુજબ ગઈકાલે રાત્રે પણ બધા જમવા માટે રૂમે ભેગા થયા હતા. જમી લીધા બાદ બધા ત્યાંથી રવાના થવા માટે બહાર નિકળ્યા હતા. તે વખતે હરવીરસિંહે  મામાના પુત્ર વિવેકને એકટીવાની પાછળ બેસાડયો હતો. બીજા એકટીવા પર મૂળ રાજસ્થાનના અશ્વિન અને શીશપાલ બેઠેલા હતા. જયારે હરવીરસિંહના જ ગામનો દોલતરામ અને સુરજસિંહ હજુ રૂમમા જ ઉપર હતા.

અચાનક રૂમમાંથી દોલતરામે, હરવીરસિંહને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં તેને એમ પણ કહ્યું કે તે જ મારો મોબાઈલ ફોન લીધો છે, જો તે મારો મોબાઈલ ફોન લીધો હશે તો હું તને આજે નહીં છોડું, તેમ કહી દોલતરામ ગાળો બોલતો-બોલતો નીચે હરવીરસિંહ પાસે ઘસી આવ્યો હતો. આવીને તેની ફેંટ પકડી છાતી અને ગળાના ભાગે મુકકા માર્યા હતા. આટલેથી નહીં અટકતા તેનું ગળું પણ દબાવી દીધું હતું. આખરે અન્ય મિત્રોએ વચ્ચે પડી હરવીરસિંહને છોડાવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તે બેભાન બની ગયો હતો.

જેથી તત્કાળ તેને ટુ વ્હીલર પર બેસાડી કુવાડવા રોડ પર આવેલી જુદી-જુદી બે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાંથી સિવીલે લઈ જવાનું કહેતાં ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તબીબોએ હરવીરસિંહને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા બી-ડિવીઝનના પીઆઈ આર.જી. બારોટ પણ સ્ટાફના માણસો સાથે મોડી રાત્રે સિવીલ દોડી ગયા હતા.

મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોર્સ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજયાનો અભિપ્રાય આવતા પોલીસે વિવેકની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધી આરોપી દોલતરામને સકંજામાં લીધો હતો. હત્યાનો ભોગ બનનાર હરવીરસિંહ રાજસ્થાનના ધોલપુર જીલ્લાના રૈવીયાપુરા ગામનો વતની હતો. ત્રણ ભાઈમાં સૌથી નાનો હતો. આરોપી દોલતરામ પણ તેના જ ગામનો વતની છે. જે નાતે બંને મિત્રો હતા. પોલીસે જણાવ્યું કે હરવીરસિંહને મશ્કરી કરવાની ટેવ હતી. જેને કારણે તેણે અગાઉ એક-બે વખત દોલતરામનો મોબાઈલ ફોન છુપાવી દીધો હતો. ગઈકાલે પણ તેણે તેમ જ કર્યું હતું. જેને કારણે દોલતરામ ઉશ્કેરાઈ જતા હત્યા કરી બેઠો હતો.