IND vs PAK ક્રિકેટ મેચમાં મેઘરાજા બનશે વિલન, શું વરસાદમાં ધોવાઈ જશે ભારત-પાકિસ્તાનની મેચ? જુઓ આગાહી

Contact News Publisher

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાજંગ આગામી 14 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાશે. આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત વિશ્વભરના લોકોની નજર આ મેચ પર છે. અમદાવાદમાં ચોરેચૌટે ક્રિકેટના પરંપરાગત કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ લડતમાં કોણ જીતશે તેની રસપ્રદ ચર્ચાઓ સતત ચાલી રહી છે. આ વચ્ચે ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. અમદાવાદમાં 14 અને 15મી ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતા પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે.

તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.