ખંભાત અને સોજિત્રા તાલુકામાંથી જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

Contact News Publisher

પ્રથમ બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાતના શક્કરપુર ચોખંડી સીમ વિસ્તારમાં કેટલાક શખ્શો એકત્ર થઈ પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ખંભાત શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી.

પોલીસે કોર્ડન કરી સ્થળ પરથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા રાકેશ ઉર્ફે ચીતળો મેલાભાઈ મકવાણા, મહેશ ઉર્ફે ભગુ ચંદુભાઈ ગોહેલ, હર્ષદ ઉર્ફે ભીખો નારાયણભાઈ ચૌહાણ અને અશ્વિન શાંતિલાલ બારૈયાને ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલ શખ્શોને અંગજડતી તેમજ દાવ  પરથી મળી આવેલ રોકડા રૂા.૨૭૮૦ કબ્જે લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોજિત્રા તાલુકાના દેવાવાંટા ગામે પ્રાથમિક કુમાર શાળા પાસે કેટલાક શખ્શો પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી સોજિત્રા પોલીસને મળતા પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો અને સ્થળ પરથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા મહેન્દ્રભાઈ અજયભાઈ રાણા (રહે.નડિયાદ), હરવનસિંગ જાનકસિંગ સીક્લીગર (રહે.નડિયાદ), ચીમનલાલ શીવલાલ જાદવ (રહે.અમદાવાદ), ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ બલોલ (રહે.અમદાવાદ), ભીમજીભાઈ રૂપજીભાઈ પટેલ (રહે.ધોળકા), ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે.ખૂંટજ) અને બહાદુર કેસરીસિંહ મહિડા (રહે.દેવાવાંટા)ને ઝડપી પાડયા હતા. પોલીસે  પકડાયેલ શખ્શોને અંગજડતી તેમજ દાવ પરથી મળી આવેલ રોકડા રૂા.૧૫૭૨૦ તેમજ છ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂા.૨૨૨૨૦નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.