ચાર લાખ રૃપિયાની માગણી કરનાર સિવિલની નર્સની આખરે ધરપકડ

Contact News Publisher

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જીકલ ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ નર્સ તરીકે કામ કરતાં નયનાબેન જગદિશભાઇ ડોડિયાર અને સ્ટાફ નર્સ તરીકે કામ કરતા જેમિનીબેન દશરથભાઇ પટેલ સામે રૃપિયા ૪ લાખની લાંચ માંગવાનો ગુનો ગાંધીનગર એસીબી દ્વારા નોંધવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદ કરનાર યુવતિ અને તેની બહેન બન્નેએ જીએમએનનો સ્ટાફ નર્સનો કોર્સ કરેલો હોય તે બન્નેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં આ નર્સનો સંપર્ક કર્યો હતો. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તે બન્ને નર્સ દ્વારા નોકરી અપાવવાના અવેજ પેટે રૃપિયા ૨-૨ લાખ મળીને રૃપિયા ૪ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.

 એ સી બી એ તપાસ કરતા તેમાં પુરાવા મળતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદથી આ નર્સ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી ત્યારે નર્સ નયનાબેન જગદીશભાઈ ડોડિયાર એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા એસીબી દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આરોપી નર્સના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબી દ્વારા નર્સની પૂછપરછ શરૃ કરવામાં આવી છે અને આ લાંચકાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ કોની કોની પાસેથી રૃપિયા લીધા હતા અને લાંચ પેટે લેવામાં આવતા રૃપિયા કોને કોને આપવામાં આવતા હતા. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.