ખંભાતના યુવાનની કરપીણ હત્યા, આરોપી ફરાર થઇ ગયો

Contact News Publisher
આણંદ : ખંભાતના બાજરીયા ઈન્ડસ્ટ્રીઝ આગળ આવેલ એક ઓરડી નજીક એક શખ્સે એક વ્યક્તિને માથામાં પથ્થરનો લાદીનો ટુકડો મારી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજને ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતની ગુરુકૃપા સોસાયટીમાં રમણભાઈ શનાભાઈ ઠાકોર પરિવાર સાથે રહે છે. ગત તા.૧૩મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વહેલી સવારના સુમારે તેઓનો દિકરો સંજય નોકરી ઉપર જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો.સાંજના સુમારે રમણભાઈ ઠાકોર તથા તેઓના પત્ની કાશીબેન સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે ગયા હતા પરંતુ સસ્તા અનાજની દુકાન બંધ હોઈ દંપતિ વાઘરીયાવડની બહાર આવેલ સિંધીની દુકાને બાકીના નાણા આપવા માટે ગયા હતા.

બાદમાં દંપતિ બજારમાંથી ખરીદી કરી ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં સંજયના બે મિત્રો કલ્પેશ રોહિત તથા ટીનુભાઈ મિસ્ત્રી મોટરસાયકલ લઈને આવ્યા હતા અને તેઓને રીક્ષા લઈ પાછળ આવવા જણાવ્યું હતું. જેથી મોટરસાયકલ સવાર યુવકો તથા દંપતિ બાજરીયા ઈન્ડસ્ટ્રીઝ પાસે આવેલ જીતુભાઈની ઓરડી ખાતે આવ્યા હતા.

જ્યાં સંજય બેભાન અવસ્થામાં પડેલ હોવાનું જણાતા દંપતિ પુત્રને રીક્ષામાં બેસાડી ઘરે લઈ ગયા હતા. ઘરે લઈ જઈ જોતા માથાના ભાગેથી લોહી નીકળતું હોઈ બાજુમાં રહેતા કનુભાઈ વાઘેલાના બોલાવતા માથાના ભાગેથી લોહી નીકળતું હોઈ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાનું જણાવતા દંપતિ પુત્રને લઈ કેનેડી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે સંજયને તપાસીને વધુ સારવાર અર્થે કાર્ડિયાક હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતું. જેથી સંજયને ત્યાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.

આ અંગે રમણભાઈ ઠાકોરે જીતુભાઈની ઓરડી પાસે જઈ ત્યાં રહેતા ભુવા મહેશભાઈ ઉર્ફે ભુવો બાબુભાઈ ચુનારા (રહે.મોટી ચુનારવાડ, ખંભાત)ને પુછપરછ કરતા ગત રોજ બપોરના સુમારે સંજયને મુકુંદ ઉર્ફે મુકો ઉર્ફે મુકેશ કોયાભાઈ ચુનારા (રહે.ખંભાત)નાઓએ માથામાં પથ્થરનો લાદીનો ટુકડો મારી રેલવે સ્ટેશન બાજુ ભાગી ગયેલ હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે રમણભાઈ ઠાકોરે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મુકુંદ ઉર્ફે મુકો ઉર્ફે મુકેશ કોયાભાઈ ચુનારા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.