દુઃખદ : વધુ 2 લોકોને હાર્ટ એટેક ભરખી ગયો, સુરતના ઓરમા ગામે તો રાજકોટના આણંદપર ગામમાં 32 વર્ષીય યુવકનું મોત

Contact News Publisher

કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી રાજકોટમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે સુરતમાં કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે.

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મૃત્યુ થયું છે. રાજકોટના આણંદપર ગામે રહેતો વિપુલ નામનો 32 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.  જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોકટરે વિપુલને મૃત જાહેર કર્યો હતો. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.

આ ઉપરાંત સુરતના ઓલપાડામાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડના ઓરમા ગામે આવેલી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ ગૌતમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સહકર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રાકેશને તપાસતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ડોક્ટરે મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ અંગેની જાણ વતનમાં યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે.

હાર્ટ એટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.

ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.