સાચી ભક્તિ! અમેરિકાના શિકાગોમાં મૂળ સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગરબા યોજાયા

Contact News Publisher

ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. માં અંબાના આરાધના સાથેના નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે. આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવાનું પસંદ કરી રહ્યા છે. હાલ ચાલી રહેલા નવરાત્રી પર્વની ઉજવણી અમેરિકામાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અમેરિકાના શિકાગો ખાતે ચાલું વર્ષે નવરાત્રીમાં મૂળ સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગરબા યોજાઇ રહ્યા છે. આમ તો દરેક જગ્યાએ પાર્ટી કલ્ચર વધી ગયું છે અને ગરબાનું આયોજન પણ ધંધાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે ત્યારે અમેરિકાના શિકાગો ખાતે આ વર્ષે ગરબા આયોજકોએ પાર્ટી કલ્ચરથી દુર રહીને મુળ પારંપરિક રીતે ગરબા રમાય તેવું આયોજન કર્યું છે.

અમેરિકાના શિકાગો ખાતે આ વર્ષે 50 થી પણ વધારે જગ્યાએ પાર્ટી કલ્ચરની જગ્યાએ પારંપરિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગરબા આયોજનમાં મુળ હિન્દુ ધર્મની ઝાંખી થાય અને નવી પેઢીને હિન્દુ ધર્મ વિશે જાણકારી મળે તે હેતુથી વેશ-ભુષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે યોજાયેલા તમામ ગરબાના આયોજનમાં ધંધાકીય રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક તરફ ગુજરાતના લોકો મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઈ મસમોટો ખર્ચો કરી વિદેશી સ્ટેપ મુજબ ગરબે રમતા હોય છે. ત્યારે વિદેશની ધરતી પર જૂની પરંપરા સાચવી શિકાગોમાં રહેતા આ ગુજરાતીઓએ ખરેખર  જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની કહેવત સાર્થક કરી છે.