કન્યા પૂજનના દિવસે જ માસૂમ સાથે બર્બરતા:ચાર દિવસ વેફર- ચોકલેટ ખવડાવી વિશ્વાસ કેળવી બાળકી સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા

Contact News Publisher

વાપીના ડુંગરી ફળિયામાં રહેતી 6 વર્ષીય બાળકીને ચોકલેટ ખવડાવવાના બહાને આધેડ એકાંત જગ્યાએ લઇ ગયો હતો. જ્યાંથી બાળકીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. માતાની આરાધનાના પર્વ નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોએ કુંવારિકા કન્યાનું પૂજન કરીને નારી અને આધ્ય શક્તિની આરાધના કરી હતી. જોકે, વાપીના ડુંગરા વિસ્તારમાં એક નરાધમ રાક્ષસે માસૂમ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવીને પીંખી નાંખવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જન્માવી છે.

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં માતા, મામા અને દાદા-દાદી સાથે રહેતી 6 વર્ષીય મુસ્લિમ પરિવારની દીકરી સોમવારે સવારે ઘરેથી અચાનક ગુમ થઇ જતા પરિજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. કોઇ જગ્યાએ પત્તો ન લાગતા ડુંગરા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરાઇ હતી. જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે બાળકી જે મકાનમાં ભાડેથી રહેતી હતી તે ચાલીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચકાસણી કરતા એક આધેડ હાથ પકડી બાળકીને સાથે લઇ જતા તેમાં કેદ થયો હતો. જેથી પોલીસે દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ જતા માર્ગ પર તપાસ હાથ ધરી હતી.

મોડી સાંજ સુધી કોઇ પત્તો ન લાગતા આખરે મોડી રાત્રે 1.30 કલાકે બાળકીની લાશ કરવડ પાટિયા મોરા વિસ્તારમાં એક ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી તેને ફોરેન્સિક ચકાસણી માટે સુરત મોકલી અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીનું અપહરણ કર્યા બાદ આધેડે કથિત દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાનું મનાય રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ બાળકીએ પહેરેલી લેગીન્સથી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાત્રે જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા ની ટીમ દોડી આવી હતી. ચાલીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અંદાજે 55થી 60 વર્ષનો આધેડ પીડિતા બાળકીને લઇ જતો જોવા મળ્યો છે.

Exclusive News