વીરપુરમાં રોકાણકારોની ઉઘરાણીથી કંટાળી સ્કીમ કર્મચારીએ ઝેરી દવા પીધી

Contact News Publisher

જેતપુર: અગાઉ ૨૦૧૫ની સાલમાં અમદાવાદના એક શખ્સે જય ખોડિયાર મિત્ર મંડળ અને કેપીટલ સર્વિસીઝના નામે રાજ્યભરમાં ૨૦૫ શાખાઓ શરૂ કરી દરેક ગામે કર્મચારીની નિયુક્તિ કરી હતી. આ શખ્સની જાળમાં આવી ગયેલા વીરપુરના એક કર્મચારી યુવાને ૧૫૦૦ જેટલા લોકોને નાણાકીય રોકાણ કરાવ્યું હતું. આ પછી અમદાવાદના સંચાલકે હાથ ઊંચા કરી દેતા કફોડી હાલતમાં મુકાયેલા વીરપુરના એજન્ટ પાસે લોકો નાણા પરત મેળવવા ઉઘરાણી કરતા સીમમાં જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારમાં ખસેડાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ વિરપુરમાં રહેતા અનીલભાઇ રામજીભાઇ માટીયા (ઉ.વ.૩ર) નામના યુવાન ગામની સીમ વિસ્તારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી. વધુમાં યુવાને જણાવ્યું હતું કે તે વિરપુરમાં વર્ષ ર૦૧પમાં શરૂ થયેલ જય ખોડીયાર મિત્ર મંડળ નામની સ્કીમમાં કર્મચારી તરીકે જોડાયો હતો. જેમના સંચાલક અમદાવાદ પંથકના રાજુભાઇ મેવાડા હતા.

તેઓ સ્કીમમાં બનેલા સભ્યો પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરતો હતો. થોડા સમય બાદ પેઢીના સંચાલક રાજુ મેવાડાએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી પેઢી બંધ કરી ફરાર થઇ ગયો હતો જે અંગે પોલીસ ફરીયાદ નોંધાતા રાજુ મેવાડાની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. બાદમાં સ્કીમના સભ્યો પોતાના રૂપિયાની ઉઘરાણી યુવાન પાસે કરતા હોવાની તેને જેલમાં બંધ રાજુનો સંપર્ક કર્યો હતો. જેલમાંથી રાજુએ અન્ય સ્કીમ ચાલુ કરી તે સભ્યોના આવતા રૂપિયામાંથી આગળની સ્કીમના સભ્યોના રૂપિયા ભરી દેવા કહ્યું હતું.

બાદમાં યુવાને જય જલારામ નામે સ્કીમ ચાલુ કરી હતી અને તે સ્કીમમાંથી આવતા રૂપિયા તેને જય ખોડીયાર મિત્ર મંડળના સભ્યોને ભરપાઇ કરી દીધા હતા. બાદમાં જય જલારામ સ્કીમના સભ્યોએ ઉઘરાણી ચાલુ કરતા યુવાને જેલમાં બંધ રાજુનો સંપર્ક સાધતા રાજુએ હાથ ઉંચા કરી દીધા હતા. બાદમાં લેણદારોની ઉઘરાણીથી કંટાળી યુવાને પગલુ ભરી લીધુ હતું. બનાવ અંગે વિરપુર પોલીસે યુવાનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.