બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાં સિહોરના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Contact News Publisher
બોટાદ : ગઢડામાં ૧૨ વર્ષ અગાઉ થયેલ હત્યા કેસમાં કાકા-દાદાના ભાઈઓના નામ હોઈ મનદુઃખ રાખી બાળ અદાલતમાં બોટાદ ખાતે મુદ્દતમાં આવેલ સિહોરના યુવક મુદ્દત પૂર્ણ કરી પરત ફરતા પાર્કિંગમાં ગાડી લેવા ગયેલ ્ત્યારે તેમના પર તાલુકા સેવા સદનના પાર્કિંગમાં છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યાની ફરિયાદ ગઢડાના ૭ શખસો વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

બોટાદ પોલીસે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ગગજીભાઈ સુખાભાઈ જોગરાણા (ઉ.વ.૩૪)એ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા આરોપીઓ જગાભાઈ વિભાભાઈ સાટિયા, લાખાભાઈ વિભાભાઈ સાટિયા, રણછોડભાઈ ઉર્ફે રસલો વિભાભાઈ સાટિયા, જીણાભાઈ વિભાભાઈ સાટિયા, જગાભાઈ નાનુભાઈ સાટિયા, સુરાભાઈ નાનુભાઈ સાટિયા તથા ભરતભાઈ કેહુરભાઈ સાટિયા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૧માં ગઢડા ખાતે આરોપી જગાભાઈ વિભાભાઈ સાટિયાના ભાઈ રાજુભાઈ વિભાભાઈ સાટિયાની હત્યા થઈ હતી. જેમાં ફરિયાદી ગગજીભાઈ જોગરાણાના કાકા તથા ફરિયાદીના કાકા-દાદાના ભાઈઓના નામ આરોપીઓ તરીકે હોય જેનું મનદુઃખ રાખી આજરોજ ફરિયાદીના કાકા કનુભાઈ તથા તેમનો દીકરો લખમણભાઈ બાળ અદાલતમાં બોટાદ ખાતે તાલુકા સેવા સદનમાં કેસ સબબ મુદ્દતમાં આવેલ હોઈ મુદ્દત પૂર્ણ કરી પરત ફરતા પાર્કિંગમાં ગાડી લેવા જતા આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી એકસંપ કરી હાથમાં છરી જેવા હથિયારો ધારણ કરી આવી તમામ આરોપીઓએ છરીઓ વતી ફરિયાદીના કાકાના દીકરા લખમણભાઈ કનુભાઈ જોગરાણા (ઉ.વ.૨૫, રે. દાદાની વાવ, રાજીવનગર, ભાવનગર રોડ, સિહોર)ને પેટના ભાગે તથા છાતીના ભાગે તથા બંને હાથ પર તથા પીઠ પાછળ વીસથી પચ્ચીસ જેટલા ઘા મારી જીવલેણ ઈજા કરી મોત નિપજાવ્યું હતું. તેમજ ફરિયાદીના કાકા સાહેદ કનુભાઈને આરોપી રણછોડભાઈ ઉર્ફે રસલો વિભાભાઈ સાટિયાએ ઈંટનો છૂટ્ટો ઘા કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી.