ગાંધીનગરના ટીઆરબી જવાનોએ નોકરીમાં પરત લેવા કલેક્ટરને આવેદન આપ્યું

Contact News Publisher

ગાંધીનગર :  પોલીસની સાથે માનદસેવાના રૃપે ટ્રાફિક નિયંત્રણનું કામ કરતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ૧ ડિસેમ્બરથી છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લાના ૧૨૯ જેટલા ટીઆરબી જવાનો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને નોકરીમાં પરત રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસની સાથે ફરજ બજાવતા ૯૦૦૦ કરતા વધુ ટીઆરબી જવાનોને છૂટા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી ટ્રાફિક પોલીસની સાથે દિવસ રાત માર્ગો ઉપર ટ્રાફિક નિયંત્રણનું કામ કરતા આ જવાનોને ઓચિંતા છુટા કરી દેવાનો નિર્ણય લેવામાં આવતા જવાનોમાં પણ રોષ જોવા મળ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ટીઆરબી જવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા ૧૨૯ જેટલા ટીઆરબી જવાનો દ્વારા આજે ગાંધીનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નોકરીમાં પરત રાખવા માટે માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆત કરવા માટે આવેલા જવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી તેઓ પોલીસની સાથે રહીને ટ્રાફિક નિયંત્રણનું કામ કરી રહ્યા છે. એટલું જ નહીં ગાંધીનગરમાં અવારનવાર વીઆઈપી બંદોબસ્ત તેમજ વાઇબ્રન્ટ સમિટ અને મુખ્યમંત્રી રાજ્યપાલ તેમજ વડાપ્રધાનના સમય માર્ગો ઉપર સતત ખડે પગે રહેતા હોય છે. ૩૦૦ રૃપિયા જેટલી માનદ જ રકમમાં પણ કોરોના જેવા કપરા કાળમાં કામગીરી કરી છે. હવે છુટા કરી દેવાનો નિર્ણય લેવામાં આવતા પરિવારજનોની હાલત પણ કફોડી બની જાય તેમ છે. ત્યારે સરકાર આ મામલે ફેરવિચારણા કરીને આ આદેશ પરત લે તેવી રજૂઆત કરવામાં આવી હતી. નોંધવું રહેશે કે સમગ્ર રાજ્યમાં ટીઆરબી જવાનો દ્વારા શરૃ કરવામાં આવેલી આ શાંતિપૂર્વક લડતને પગલે હવે સરકાર પણ આ અંગે  જવાનોના હિતમાં નવો નિર્ણય લે તેવું લાગી રહ્યું છે.