કાશ્મીરમાં તોયબાના બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર, જવાન શહીદ

Contact News Publisher

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ સામે જે ઓપરેશન હાથ ધરાયું હતું એમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર થયા હતા. વધુ એક જવાન શહીદ થયા હતા. બે દિવસમાં કુલ પાંચ જવાનો આ ઓપરેશન શહીદ થયા હતા. તોયબાનો આતંકવાદી બોમ્બ બનાવવામાં એક્સપર્ટ હતો. પાકિસ્તાનનો આ આતંકી અફઘાનિસ્તાનમાંથી તાલીમ લઈને આવ્યો હતો. ડાંગરી અને કાંડી હુમલાનો પણ એ માસ્ટર માઈન્ડ હતો.

રાજોરી જિલ્લામાં શરૂ થયેલા ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થતાં પાંચ જવાનો એ ઓપરેશનમાં શહીદ થયા હતા. બીજી તરફ તોયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરાયા હતા. કારી નામનો આતંકવાદી પાકિસ્તાની નાગરિક છે અને તેણે પાકિસ્તાનમાં આતંકી કેમ્પો ઉપરાંત અફઘાનિસ્તાનમાં જઈને બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. એ બોમ્બ બનાવવામાં માસ્ટર હતો. તેમ જ ટ્રેન્ડ સ્નાઈપર હતો. એ જ ડાંગરી અને કાંડીના હુમલાનો માસ્ટર માઈન્ડ પણ હતો. એ તોયબાનો ટોપ કમાન્ડ હતો. રાજોરીનું ઓપરેશન એક બાતમીના આધારે શરૂ થયું હતું. સૈન્યદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસને બાતમી મળી હતી કે તોયબાના બે ખૂંખાર આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા છે. તે પછી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

અગાઉ બે કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા હતા. એમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. આ શુભમ ગુપ્તાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલતી હતી. લગ્નની સિઝનમાં કેપ્ટન શુભમના લગ્ન થવાના હતા અને એ માટે તેમણે રજાઓ પણ મૂકી દીધી હતી. તે પહેલાં આ ઓપરેશનમાં જોડાયા અને શહીદ થઈ જતાં બે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

દરમિયાન એલઓસી સરહદેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી ભરેલું એક બોક્સ મળ્યું હતું. હથિયારો અને વિસ્ફોટકોનો આ મોટો જથ્થો સુરક્ષાદળોએ જપ્ત કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી સરહદે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનથી આ વિસ્ફોટકોનો જથ્થો ભારતની સરહદમાં ઘૂસાડાયો હતો. પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આ જથ્થો મળી આવ્યો હતો.

રાજોરીમાં જે સ્થળે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામ-સામો ગોળીબાર થયો તે સ્થળે આતંકીઓને અનુકૂળ સ્થિતિ હતી. સૈન્યને વિષમ પરિસ્થિતિમાં ફાઈરિંગ કરવાનું હતું. આતંકવાદીઓ ગાઢ જંગલમાં ઊંચાઈએ હતા. આતંકીઓ માટે નિશાન સાધવાનું સરળ હતું.

વળી ગાઢ જંગલોમાં વિઝિબિલિટીનો પ્રશ્ન પણ હતો. ભારતીય લશ્કરને થોડાં મીટરથી આગળનું સ્પષ્ટ દેખાતું ન હતું, પરંતુ આતંકીઓ ઊંચાઈ પર હતા એટલે સૈન્યની હિલચાલથી બરાબર વાકેફ હતા. પથ્થરોની આડશમાંથી ગોળીબાર કરનારા આતંકવાદીઓને ઠાર કરવાનું કામ ખૂબ જ કપરું હતું. અચાનક સર્ચ ઓપરેશન કરી રહેલી સૈન્ય ટૂકડી પર આતંકવાદીઓએ ઉપરથી અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી ને શરૂઆતમાં જવાનોને ઈજા પહોંચાડી હતી. સૈન્યદળોએ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં આતંકવાદીઓ સામે લડીને એને ઠાર કર્યા.

Exclusive News