આજે ફરી બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં મેઘરાજા ત્રાટકશે, ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ

Contact News Publisher

બે દિવસ કમોસમી વરસાદ બાદ હજી આજે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ તરફ આજે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કાલકા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કુંકરમુંડામાં પોણા 2 ઈંચ, નવસારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે.