4થાના છોકરાઓએ ક્લાસમેટને માર્યાં કંપાસના 105 ઘા, આખા શરીર પર કાણા જ કાણા

Contact News Publisher

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ખાનગી શાળામાં ધોરણ-4ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ત્રણ બાળકોએ મળીને તેમના ક્લાસમેટ પર રાઉન્ડર કંપાસ વડે હુમલો કર્યો હતો. કંપાસની સોય વડે ક્લાસમેટના શરીર પર 105 ઘા માર્યાં હતા જેના કારણે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ક્લાસરુમમાં જ વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડો થયો હતો જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી શાળામાં બની હતી. જ્યારે બાળક ઘરે પહોંચ્યો ત્યારે તેની ઈજાઓ જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા. પરિવારના સભ્યો શાળાએ પહોંચ્યા, પરંતુ આચાર્ય તેમને મળ્યા ન હતા. પ્રિન્સિપાલે કહ્યું કે રજાઓ ચાલી રહી છે. મંગળવારે શાળા ખુલશે ત્યારે કાર્યવાહી કરશે. આ પછી પરિવાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયો અને પછી પોલીસમાં ફરિયાદ કરી. એરોડ્રોમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ સાહુએ જણાવ્યું હતું કે, ‘ઘાયલ વિદ્યાર્થીના પરિવારે તેમના પુત્રના સહપાઠીઓ અને શાળાના સત્તાવાળાઓ વિરુદ્ધ ફરિયાદ લઈને અમારો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે બાળકોએ તેના પુત્રને માર્યો અને તેના શરીર પર કંપાસની સોય વડે અનેક ઘા કર્યા. તેમણે શાળાના સત્તાધીશોનો સંપર્ક કરતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

ઈન્ચાર્જ રાજેશ સાહુએ કહ્યું કે અમે બાળકને મેડિકલ તપાસ માટે મોકલી દીધો છે અને ફરિયાદી અને આરોપીના માતા-પિતા સાથે વાત કરી રહ્યા છીએ. સાહુએ કહ્યું કે જ્યારે પોલીસે શાળાના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ કહ્યું કે તેઓ સોમવારે આવશે. સાહુએ કહ્યું કે અમે બંને જૂથના નિવેદનો નોંધી રહ્યા છીએ, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંગળવારે જ્યારે બાળકો શાળાએ આવશે ત્યારે તેમને પણ લડાઈ અંગે પૂછવામાં આવશે.