માડાડુંગર નજીક હિટ એન્ડ રન, અકસ્માતમાં મહિકાના પ્રૌઢનું મોત

Contact News Publisher

રાજકોટમાં હિટ એન્ડ રન સહિત બે અકસ્માતમાં બે લોકોનો ભોગ લેવાયો છે. માડાડુંગરની ગોળાઈ નજીક અજાણ્યા વાહન હડફેટે પગપાળા જતા પ્રૌઢનું અને અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ નજીક સ્વીફટ કાર હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું.

રાજકોટ નજીક મહિકા ગામનાં પાટીયા પાસે રાધીકા રેસીડેન્સીમાં રહેતા અને અઠવાડીયા પહેલા જ રાજકોટની ભાગોળે ગૌશાળામાં નોકરી કરતા અનોપસિંહ બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.પ૦) ગઈકાલે રાત્રે નોકરી પરથી પગપાળા ઘરે જઈ રહ્યા હતા ત્યારે માડા ડુંગરની ગોળાઈ પાસે અજાણ્યો વાહનનો ચાલક તેને હડફેટે લઈ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અનોપસિંહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વાંકાનેરનાં ખખાણા ગામે રહેતાં છગનભાઈ વસરામભાઈ બાવળીયા (ઉ.વ.૪૩) આજે બાઈક લઈને જેપુર ગામેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ જવાના રસ્તા નજીક સ્વીફટ કારના ચાલકે તેને હડફેટે લેતાં ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.એરપોર્ટ પોલીસે મૃતકનાં પુત્ર વિજય (ઉ.વ.ર૧)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.