ખેડાના 2 ગામોમાં એક જ દિવસમાં 4 નાં મોત, લઠ્ઠાકાંડની શંકા

Contact News Publisher
નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામે બુધવારે પાંચ જણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી ચાર જણાના મોત થયા હોવાનું જાણવા મળે છે અને એકની હાલત ગંભીર હોવાનું અને જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોવાનું જાણવા મળે છે. નગરમાં થતી ચર્ચાઓ મુજબ બિયર, તાડી કે પછી અન્ય કોઇ નશાયુક્ત પીણું પીધા બાદ હાલત બગડી હોય અને સારવાર માટે દાખલ કર્યા હોય અને મોત થયા હોય તેવી ચર્ચાઓ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લાના બે ગામોમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવા અંગેની ચર્ચાએ જોર પકડયું છે. મળતી માહિતી મુજબ બિલોદરા અને બગડુ ગામે શંકાસ્પદ બીયર પીધા બાદ પાંચ જણાની તબિયત બગડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી  ચાર જણાના મોત થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ કંઈ પણ ચોક્કસ માહિતી આપવા માટે તૈયાર નથી. નડિયાદના બિલોદરા ગામે અને મહુધાના બગડુ ગામે દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ચર્ચાઓ આખા દિવસ દરમિયાન જિલ્લાભરમાં ચાલી હતી. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ બંને ગામના પાંચ લોકોએ આયુર્વેદિક બીયર પીધા બાદ તેઓની તબિયત લથડી હતી જેના કારણે તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.  આ સમગ્ર ઘટનામાં બિલોદરા ના ત્રણ વ્યક્તિઓ સામેલ હતા. જ્યારે બગડુંના બે લોકો હતા. આ પૈકી બિલોદરા અને બગડુંના બે-બે લોકોના એમ કુલ ચાર લોકોના મોત લઠ્ઠાકાંડના કારણે થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે એક જણાની હાલત ગંભીર હોવાથી  હજુ પણ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ  છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસ કોઈ ચોક્કસ માહિતી આપવા માટે તૈયાર નથી, ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દિવસભર મીડિયાથી દુર રહ્યા હતા. આ મામલે મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરતા તેમણે મૃત્યુ કુદરતી થયું હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો પણ જાણે કે સમગ્ર ઘટના પર પડદો પાડવા માટે પ્રયત્ન કરતા હોય તેવી ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બે ગામમાં એક સાથે ચાર જણાના મોત પ્રકરણમાં લઠ્ઠાકાંડ જવાબદાર છે કે પછી આ કુદરતી મોત છે તે પુરતી તપાસ બાદ જ જાણી શકાશે.