‘અમારો ડ્યુટી ટાઈમ પૂરો થઇ ગયો છે’ એમ કહીને ડ્રાઈવરે અધવચ્ચે જ ટ્રેન રોકી, 2500 મુસાફરો અટવાયા

Contact News Publisher

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના બુરવાલ જંકશન પર ગઈકાલે એક ચોંકાવનારી ઘટના બની હતી. સહરસાથી દિલ્હી જતી સ્પેશિયલ ટ્રેન બુરવાલ જંકશન પર રોકાઈ હતી. માલગાડી ક્રોસ થયા બાદ મુસાફરો ટ્રેન શરુ થવાની રાહ જોઈ રહ્યા હતા. એક કલાક બાદ મુસાફરો દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ડ્રાઈવર અને ગાર્ડનો ડ્યુટી ટાઈમ પૂરો થઈ ગયો છે અને તેઓ ચાલ્યા ગયા છે. આવી સ્થિતિમાં 2,500 જેટલા મુસાફરો અટવાયા હતા. જેથી મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો અને દેખાવો શરૂ કરાયા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓને સમાચાર મળ્યા ત્યારે ગોંડાથી ડ્રાઇવર અને ગાર્ડ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ સાડા ત્રણ કલાક સુધી મુસાફરો ભૂખ અને તરસથી પરેશાન રહ્યા હતા.

‘અમારો ડ્યુટી ટાઈમ પૂરો થઇ ગયો છે અમે ટ્રેન આગળ નહીં લઇ જઈએ’

સહરસાથી દિલ્હી જઈ રહેલી ટ્રેન ગઈકાલે લગભગ સવા એક વાગ્યે બુરવાલ જંકશન પર રોકાઈ હતી. આ દરમિયાન એક માલગાડી પસાર થઇ. જેથી મુસાફરોને લાગ્યું કે ક્રોસિંગના કારણે ટ્રેન ઉભી છે પરંતુ જોતા જોતા એક કલાકથી વધુ સમય પસાર થઇ ગયો હતો. ટ્રેનને સિગ્નલ ન મળ્યો અને તે ત્યાં જ ઉભી રહી હતી. જેના કારણે કેટલાંક મુસાફરોએ નીચે ઉતરી હોબાળો શરુ કર્યો હતો. હંગામો અને નારાઓ લાંબા સમય સુધી ચાલુ રહ્યા. જેને સંભાળી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ ઊંઘમાંથી જગ્યા. જયારે તે ટ્રેનના એન્જિન પાસે ગયા તો ડ્રાઈવર અને ગાર્ડે કહ્યું કે અમારો ડ્યુટી ટાઈમ પૂરો થઇ ગયો છે અને અમે ટ્રેનને આગળ લઇ જઈશું નહીં. આટલું કહ્યાં બાદ તેઓએ મેમો આપ્યો અને સ્ટેશનથી ચાલ્યા ગયા.

ડ્રાઈવર અને ગાર્ડના ચાલ્યા જવાથી મુસાફરોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. સેંકડો મુસાફરો ટ્રેનની બીજી બાજુ અને પ્લેટફોર્મ પર ઉતરી આવ્યા હતા અને રેલ્વે પ્રશાસન વિરુદ્ધ નારાઓ લગાવવા લાગ્યા હતા. બપોરે 2:20 વાગ્યે જયારે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે ડ્રાઈવર અને ગાર્ડના ચાલ્યા જવાની સુચના કંટ્રોલ રૂમને આપી તો ત્યાં પણ હંગામો થયો હતો. ગોંડાથી તાત્કાલિક ડ્રાઈવર અને ગાર્ડને મોકલવામાં આવ્યા અને ટ્રેન 4:50 વાગ્યે આગળ વધી હતી.

સ્ટેશન પર પીવા લાયક શુદ્ધ અને સ્વચ્છ પાણી પણ નહીં – મુસાફરો

ટ્રેન લગભગ સાડા ત્રણ કલાક સુધી બુરવાલ જંકશન પર ઉભી રહી હતી. આ સમયગાળા દરમિયાન દુકાનો પર રાખવામાં આવેલી પાણીની થોડી બોટલો અને ખાદ્યપદાર્થો થોડી જ વારમાં સમાપ્ત થઇ ગયા હતા. આ પછી લોકો પાણીના નળ પર કતારમાં ઉભા જોવા મળ્યા હતા. મુસાફરોએ જણાવ્યું કે ટ્રેન પહેલેથી જ મોડી ચાલી રહી છે. સ્ટેશન પર પીવા માટે શુદ્ધ અને સ્વચ્છ પાણી પણ નથી. આ દરમિયાન સ્ટેશન પર લખનઉ બરૌની ટ્રેન આવી ગઈ હતી. મુસાફરો તેની સામે ઉભા થઈને હંગામો કરવા લાગ્યા હતા. મુસાફરોનું કહેવું હતું કે પહેલા તેમની ટ્રેન મોકલવામાં આવે તે પછી બીજી ટ્રેનો જશે. આ હંગામાના કારણે લખનઉ બરૌની ટ્રેન પણ ઉભી રહી હતી.