ભડિયાદ-ધંધુકા માર્ગ પર ટ્રેલર પાછળ બાઈક અથડાતા કોટડાના યુવકનું મૃત્યુ

Contact News Publisher

ભાવનગરથી બાઈક પર દંપતિ જઈ રહ્યું હતું ત્યારે ભડિયાદ-ધંધુકા માર્ગ પર ટ્રેલર પાછળ બાઈક અથડાતા પત્નીની નજર સામે પતિનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો.

આ અંગેની વિગતમાં ધંધુકા પંથકના કોટડા ગામે રહેતા વસંતબહેન ભરતભાઈ વીરગામા (ઉ.વ.૪૫)એ ધોલેરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પોતાના પતિ અને પુત્ર પ્રિન્સ સાથે સ્પ્લેન્ડર મોટર સાઈકલ (નં. જીજે-૦૧-જેક્યુ-૦૦૪૭) લઈને ભાવનગર પોતાનું મકાન આવેલ હોઈ ત્યાં આંટો મારવા ગયેલ હતા અને રાત્રી રોકાણ કરી સાંજના આશરે પાંચેક વાગ્યે ભાવનગરથી મોટર સાઈકલ લઈને ત્રણેય પરત જવા નિકળ્યા હતા. આશરે સાતેક વાગ્યાના સુમારે ભડિયાદથી આશરે બેથી ત્રણ કિલોમીટર ધંધુકા તરફ જતા મોટર સાઈકલની સામેની બાજુથી વાહનો આવતા હોય અને રોડ પર કોઈપણ રેડિયમ પટ્ટી કે લાઈટ કે સિગ્નલ ન દેખાય તે રીતે ટ્રેલર (નં. જજે-૧૨-બીવી- ૭૬૬૬) ઉભુ હોય અને અંધારું હોઈ સામેથી આવતા વાહનના લાઈટના પ્રકાશના કારણે તેમજ ટ્રેલર દેખાય તેવું કોઈ સિગ્નલ પાછળ રાખેલ ન હોઈ જેથી પોતાના પતિને રોડ પર ઉભેલ ટ્રેલર દેખાયેલ નહીં અને મોટર સાઈકલ પાછળથી અથડાયું હતું. આથી ગંભીર ઈજા થતા પોતાના પતિને માથામાં ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવથી પંથકમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે. આ અકસ્માતમાં પોતાને અને પોતાના પુત્રને ઈજા થઈ હતી. આથી પોતાને અને પોતાના પુત્રને ૧૦૮  એમ્બ્યુલન્સમાં ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.