ગાંધીનગરમાં રાજ્યની 16 કોલેજના અધ્યાપકો દ્વારા મૌન ધરણા

Contact News Publisher

ગાંધીનગર :  રાજ્યના શિક્ષણ વિભાગની નીતિ સામે આંદોલન ચલાવી રહેલા રાજ્યના ૧૬ ઇજનેરી કોલેજના ૨૦૦ અધ્યાપકોએ ગુરૃવારે ગાંધીનગરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી પર આવીને મૌન ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. અધ્યાપકોએ કહ્યું કે ભારતના વિકાસને નવી દિશા આપી રહેલા ઇજનેરોને તૈયાર કરનારા અધ્યાપકોએ નાછુટકે આ માર્ગ અપનાવવા પડયો છે. છતાં તેઓ જીટીયુની પરીક્ષા દરમિયાન તેમને સોંપાતી ફરજો બજાવશે.

સેમીકોન ઇન્ડિયા મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ડિઝાઇન કરનાર એન્જિનિયરોને તૈયાર કરનારા અને ચંદ્રયાન મિશન, રીન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રીક વ્હીકલ, હાઈડ્રોજન મિશન, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લનગ જેવી નવીનતમ ટેકનોલોજીના સર્જનહાર એવા વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકોને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. હેકથોન, વાઇબ્રન્ટ ગુજરાત, ખેલે ગુજરાત, ખેલ મહાકુંભ, નમસ્તે ટ્રમ્પ, રોજગાર મેળા, પ્લેસમેન્ટ કેમ્પ અને બીજા ઘણા બધા સરકારી કાર્યક્રમોના આયોજનમાં સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો શૈક્ષણિક ફરજો ઉપરાંત ખૂબ જ તનતોડ મહેનત કરે છે. જ્યારે અધ્યાપકો એમના પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ, પ્રમોશન, સેવા સળંગ, વિનંતી બદલી, અધ્યાપકોને ડેપ્યુટેશન ઉપર ઉચ્ચ અભ્યાસ માટે મોકલવા, વર્ગ-૩ ની જગ્યાઓ નિયમિત સ્ટાફથી ભરવી વગેરેની વાત હોય ત્યારે આ અધ્યાપકોને ભેદભાવ, અન્યાય અને શોષણના ભોગ બનવું પડયું છે.

સરકારના અન્ય વિભાગોમાં આ પૈકી ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. પરંતુ સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો સાથે ભેદભાવ કરાઇ રહ્યો છે. આ મુદ્દે ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતાં. ત્યારે ટેકનિકલ શિક્ષણ કમિશનર દ્વારા અધ્યાપક મંડળના હોદેદારો સાથે તમામ પડતર પ્રશ્નો અંગે ચાલી રહેલી કાર્યવાહીની માહિતી આપીને અગત્યના પ્રશ્નોનો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેવું આશ્વાશન અપાયુ હતું. જોકે ૧ જાન્યુઆરી સુધીમાં નિરાકરણ નહિ આવે તો આંદોલન આગળ ધપાવવામાં આવશે