હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વૃધ્ધનું મોત નિપજ્યું

Contact News Publisher

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત સોમવારે શહેરના ઘ-૬ સર્કલ પાસે વૃધ્ધને અડફેટે લઇ અજાણ્યો રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો અને અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા વૃધ્ધનુ આજે સવારે મોત નિપજ્યું હતું. જેના પગલે સેક્ટર-૨૧ પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે આ રિક્ષાચાલકની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો અકસ્માતના બનાવો સાવ સામાન્ય થઇ ગયા છે ત્યારે હિટ એન્ડ રનના બનાવો પણ સતત વધી રહ્યા છે. ગાંધીનગરમાં ગઇકાલે ઘ-૫ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં શિક્ષકનું મોત થયું હતું ત્યારે ઘ-૬ સર્કલ પાસે ગત સોમવારે સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં વૃધ્ધનું મોત થયાની વિગતો બહાર આવી રહી છે. જે ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, સેક્ટર-૨૭માં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અલ્કેશભાઇ અંબાલાલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત સોમવારે તેઓ ઘરે હાજર હતા તે સમયે ઘ-૬ સર્કલ પાસે ચાની લારી ચલાવતા તેમના મિત્ર સુભાષભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા પિતાને કોઇ અજાણ્યા રિક્ષાચાલકે ટક્કર મારીને ભાગી ચુક્યો છે. જેથી તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઇ જવાઇ રહ્યા છે. જેના પગલેઅલ્કેશભાઇ તુરંત જ સિવિલ પહોંચ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને આજે સવારે સારવાર દરમ્યાન અંબાલાલનું મોત નિપજ્યુ હતું. જેથી આ ઘટના અંગે સેક્ટર-૨૧ પોલીસે અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.