મોપેડ ઉપર જતા માતા-પુત્રીને ધક્કો મારી 1.48 લાખની મત્તા ભરેલી બેગની તફડંચી

Contact News Publisher

ગાંધીનગર શહેર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને ધક્કો મારી બાઇક ઉપર આવેલા બે શખ્સો ૧.૪૮ લાખની મત્તા ભરેલી બે ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. જે ઘટનામાં ઘાયલ બંનેને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર ૧.૪૮ લાખની મત્તા ભરેલી બેગની ચીલઝડપ થવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શાહીબાગ ખાતે સોમ એપાર્ટમેન્ટમાં રહેતા હેમલતાબેન રાજમલ શાહ ગઈકાલે તેમની માતા સાથે મોપેડ ઉપર ઘોડા કેમ્પ ખાતે નવું મકાન અને દુકાન જોવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ નરોડા રીંગરોડ ઉપર નવી કાર જોઈને દહેગામ જવા માટે નીકળ્યા હતા. માતા પાસે એક બેગ હતી જેમાં રોકડ રૃપિયા એક લાખ અને ૪૮ હજારના સોનાની બુટ્ટી અને વીંટી હતા. દરમ્યાનમાં તેમનું મોપેડ રાયપુર પાસેથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન પાછળથી બાઈક ઉપર આવેલા બે શખ્સો દ્વારા માતા પાસે રહેલા બેગની ઝૂંટ કરવામાં આવી હતી અને આ ઝપાઝપીમાં માતા પુત્રી નીચે પડી ગયા હતા ત્યારે આ શખ્સો બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી છૂટયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા માતા પુત્રીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. હાલ ડભોડા પોલીસ ૧.૪૮ લાખની ચીલ ઝડપનો ગુનો દાખલ કરીને બાઈક ઉપર આવેલા શખ્સોની શોધખોળ શરૃ કરી છે. શિયાળાની ઠંડી શરૃ થતા હવે ચોરી અને ચીલ ઝડપથી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે.