ગુજરાતમાં હવાફેર! આગામી 2 દિવસમાં 4 જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવતી આગાહી

Contact News Publisher

અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ દિશાનાં પવનોનાં કારણે ભેજયુક્ત હવા વરસાદ લાવશે. ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા જેમાં ઉત્તર ગુજરાતનાં અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. તો મહીસાગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રનાં અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી છે.

આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવારણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.  ત્યારે સોમવારે અમદાવાદ સીટીમાં વરસાદની સંભાવના નથી. પરંતું વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

વલસાડમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. વલસાડ અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાથી ખેડૂતોનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. થોડા દિવસમાં બીજું માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે.